એસબીઆઈ રિસર્ચના નવા રિપોર્ટ અનુસાર દેશનો જીડીપી ગ્રોથ વર્તમાન નાણાં વર્ષના જુલાઈ -સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૭.૫% સુધી પહોંચી શકે છે. જીએસટીમાં થયેલા ઘટાડા, તહેવારોની સિઝનની શરૂઆત અને અંતિમ દિવસોમાં વધેલી માંગને કારણે અર્થતંત્રમાં નોંધપાત્ર ગતિ જોવા મળી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃત્તિમાં વધારો, ગ્રામીણ વપરાશમાં રિકવરી, સર્વિસીઝ અને મેન્યુફેક્ચરિંગમાં મજબૂત સ્થિતિ તેમજ જીએસટીનું તર્કસંગતકરણ – આ તમામ પરિબળોએ અર્થતંત્રને વધારાનો બળ આપ્યો છે.
એસબીઆઈના ઈકોનોમિક રિસર્ચ વિભાગ અનુસાર કૃષિ, ઉદ્યોગ અને સર્વિસીઝ ક્ષેત્રોના કુલ ૮૩ મહત્વના વપરાશ અને માંગના ઇન્ડિકેટર્સ બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે પ્રથમ ત્રિમાસિકમાં આ ઇન્ડિકેટર્સ ૭૦ હતાં. આ આધારે રિપોર્ટમાં ૭.૫% જીડીપી ગ્રોથનો અંદાજ મૂકાશે છે. બીજી તરફ, રિઝર્વ બેન્કે બીજા ત્રિમાસિક માટે ૭% ગ્રોથનો અંદાજ જાહેર કર્યો છે. નવેમ્બરના જીએસટી આંકડાઓ પણ અર્થતંત્રની મજબૂતી તરફ સંકેત આપે છે. કુલ જીએસટી કલેક્શન નવેમ્બરમાં રૂ.૧.૪૯ લાખ કરોડને પાર કરી ગયું છે, જે વાર્ષિક ધોરણે ૬.૮% વૃદ્ધિ દર્શાવે છે.
ઈન્ટિગ્રેટેડ જીએસટી અને આયાત પર સેસમાંથી મળીને રૂ.૫૧૦૦૦ કરોડ જેટલું કલેક્શન નોંધાતા, નવેમ્બર મહિનાનું કુલ જીએસટી કલેક્શન રૂ.૨ લાખ કરોડને પાર કરવાની શક્યતા છે. માંગમાં વૃદ્ધિના સૌથી પહેલાના સંકેતો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સ્પેન્ડિંગમાંથી જોવા મળ્યા હતા. ઈ-કોમર્સ ચેનલમાં ઓટો, ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિશિંગ અને ટ્રાવેલ જેવી કેટેગરીમાં જોરદાર વૃદ્ધિ નોંધાઈ છે. યૂટિલિટી અને સર્વિસીઝમાં કુલ ૩૮%, સુપરમાર્કેટ અને ગ્રોસરીમાં ૧૭% અને ટ્રાવેલ સેગમેન્ટમાં ૯% સુધીનો સ્પેન્ડિંગ થયો છે.

