જુલાઈ – સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ સારો દેખાવ કર્યો હતો. એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના અહેવાલ અનુસાર, ખાનગી બેંકોના પ્રદર્શન પર વ્યવસાયિક અનિશ્ચિતતાઓ અને બજારની નબળી ભાવનાનો પ્રભાવ રહ્યો હતો. વિશ્લેષણ મુજબ એચડીએફસી બેંકના બજાર મૂડીકરણમાં ૪.૮% અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ૬.૭% ઘટાડો નોંધાયો હતો. કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંક સહિત અન્ય ખાનગી બેંકોમાં પણ ઘટાડાનો ઝોક રહ્યો હતો.
તેની સામે, જાહેર ક્ષેત્રની બેંકોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. ઈન્ડિયન બેંકે બજાર મૂડીકરણમાં ૧૬.૭% નો ઉછાળો નોંધાવ્યો – જે ટોચની ૨૦ બેંકોમાં સૌથી વધુ હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બજાર મૂડીકરણમાં ૧૦% નો વધારો નોંધાયો હતો, જ્યારે કેનેરા બેંક ૮.૩%, બેંક ઓફ બરોડા ૩.૯% અને પંજાબ નેશનલ બેંક ૨.૧% વધ્યા હતા. ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે ત્રીજા ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેમાં બજાર મૂડીકરણમાં ૧૫.૭% નો ઘટાડો નોંધાયો હતો. કુલ ૨૦ મુખ્ય બેંકોમાંથી ૧૨ બેંકોએ ત્રીજા ક્વાર્ટરમાં પોતાનું બજાર મૂડીકરણ ગુમાવ્યું હતું.