દેશની અગ્રણી ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ હવે H-1B વિઝા પરની પોતાની નિર્ભરતામાં ઘટાડો કરવાની દિશામાં આગળ વધી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ કંપનીઓએ અમેરિકા સ્થિત ક્લાયન્ટ્સને ભારતમાં જ બેસીને સેવાઓ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે અને આ અંગે સરકાર સમક્ષ સ્પષ્ટતા પણ કરી છે.
હાલમાં જ કેટલીક આઈટી કંપનીઓના સંચાલકોએ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેઓએ કામ પાછું ભારતમાં લાવવાની યોજના પર ભાર મૂક્યો હતો. અમેરિકાએ H-1B વિઝાની ફી એક લાખ ડોલર સુધી વધારતા, જેનો સૌથી વધુ અસર ભારતીય વ્યાવસાયિકો પર પડે છે, આઈટી ક્ષેત્ર માટે નવી પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. નોંધનીય છે કે અમેરિકાના આ વિઝામાંથી આશરે ૭૦% ભારતીયોને ફાળે જાય છે.
વિઝા ફી તેમજ ટેરિફના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે લાંબા ગાળાના વ્યાપારિક આયોજન કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, આત્મનિર્ભરતા અને સ્વદેશી વલણ તરફ વડા પ્રધાનના આહ્વાન સાથે સુસંગત રીતે, ભારતીય આઈટી કંપનીઓના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અત્યાર સુધી ભારતીય કંપનીઓ અમેરિકન ક્લાયન્ટ્સને સેવા આપવા માટે પોતાના કર્મચારીઓને H-1B વિઝા મારફતે અમેરિકામાં મોકલતી હતી, જે અમેરિકન કર્મચારીઓની સરખામણીએ ઓછા ખર્ચાળ પડતા. અમેરિકામાં કર્મચારીઓને સ્થાનિક કાયદા મુજબ વધુ વેતન તથા મર્યાદિત કાર્ય કલાક આપવાના હોવાથી કંપનીઓએ ભારતમાં સ્થિત ઇજનેરોને વધુ ફાયદાકારક ગણાવ્યા છે.