એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ આજે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીનો શેર બીએસઈ પર રૂ.૧૧૪૦ની ઈશ્યૂ પ્રાઈસ સામે ૫૦.૪૪%ના પ્રીમિયમ સાથે રૂ.૧૭૧૫ના સ્તરે લિસ્ટેડ થયો હતો, જેના કારણે રોકાણકારોને શેરદીઠ રૂ.૫૭૫નો નફો થયો છે. માર્કેટ નિષ્ણાતોની અપેક્ષા ૩૨%ના પ્રીમિયમની હતી, પરંતુ એલજીએ તેના કરતાં પણ વધુ આકર્ષક લિસ્ટિંગ આપી રોકાણકારોને ખુશ કરી દીધા છે. લિસ્ટિંગ બાદ શેરે રૂ.૧૭૩૬.૪૦ની ટોચ હાંસલ કરી હતી, જ્યારે ૧૧.૩૦ વાગ્યે તે રૂ.૧૬૬૧ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
લગભગ બે દાયકાથી ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં અગ્રણી રહેલી એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ.૧૧૪૦ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ.૧૧,૬૦૭ કરોડનો આઈપીઓ યોજ્યો હતો, જેને માટે રોકાણકારોમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ આઈપીઓએ કુલ ૪.૫ લાખ કરોડથી વધુના બિડ્સ આકર્ષ્યા હતા, જેના કારણે તે ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો સબ્સ્ક્રાઈબ્ડ આઈપીઓ બની ગયો હતો. કુલ ૫૪.૦૨ ગણો સબ્સ્ક્રાઇબ્ડ થયો હતો, જેમાં ક્યુઆઈબી પોર્શન ૧૬૬.૫૧ ગણો, એનઆઈઆઈ ૨૨.૪૪ ગણો અને રિટેલ પોર્શન ૩.૫૪ ગણો ભરાયા હતા.
એલોટમેન્ટમાં ૧૩ શેરોનો લોટ મળ્યો હતો, જેના આધારે રોકાણકારોને લોટદીઠ રૂ.૭૭૫૩નો નફો થયો છે. આ સાથે એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ ૨૦૨૪માં આવેલા બજાજ હાઉસિંગ ફાયનાન્સના રેકોર્ડને તોડ્યો છે. બજાજ હાઉસિંગનો રૂ.૬૫૬૦ કરોડનો આઈપીઓ તે સમયે કુલ ૩.૨ લાખ કરોડના બિડ્સ સાથે ૬૭.૪૩ ગણો સબ્સ્ક્રાઇબ્ડ થયો હતો. હવે એલજી ઈલેક્ટ્રોનિક્સે સબ્સ્ક્રિપ્શન અને રોકાણ રકમ બંને મામલે નવો માઈલસ્ટોન સર્જ્યો છે.