લિસ્ટેડ કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૩.૮ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જે ૧૯૯૦-૯૧ પછીનો સૌથી મોટો આંકડો છે. અગાઉ આ રોકાણ ૨૦૨૦-૨૧માં રૂ. ૩.૬ લાખ કરોડની ટોચે હતું. બજારમાં અનિશ્ચિતતા, મર્યાદિત વૃદ્ધિના અવસર અને બેંક ડિપોઝિટ પર ઓછા વ્યાજ દરો આ વૃદ્ધિના મુખ્ય પરિબળો માનવામાં આવે છે. જાણકારોના જણાવ્યા મુજબ, હાલ બિન-નાણાકીય કંપનીઓ પાસે રૂ. ૭.૪ લાખ કરોડનું રોકડ બેલેન્સ છે, જે કોરોના પહેલા જોવા મળેલા રૂ. ૩.૪ લાખ કરોડ કરતા બમણાથી પણ વધુ છે.
હાલની ઉત્પાદન ક્ષમતા પૂરતી વપરાઈ રહી નથી, તેથી કંપનીઓ નવી ક્ષમતામાં રોકાણ કરતાં બદલે ફંડને મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં કુલ સંપત્તિના પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ૩.૨% રહ્યું છે, જે પાછલા વર્ષોની સરખામણીએ સુસંગત છે. ૨૦૧૬-૧૭માં નોટબંધીના સમયે આ પ્રમાણ સૌથી વધુ ૪.૩% પર પહોંચ્યું હતું. કંપનીઓ મોટાભાગે સ્થિર આવક ફંડમાં રોકાણ કરી રહી છે, કારણ કે તેમને વળતર કરતાં મૂડી સુરક્ષિત રાખવાની જરૂરિયાત વધારે છે. બેંક ડિપોઝિટ પર મળતા ઓછા વ્યાજ દરો પણ ફંડ તરફ પૈસા વાળવાનો એક મોટો પરિબળ છે.
ઉદાહરણ તરીકે, જુલાઈમાં શિડયુલ્ડ બેંકો દ્વારા નવી થાપણ પર ફક્ત ૫.૬૧% વ્યાજ દર ઓફર કરવામાં આવ્યો હતો, જે છેલ્લા ૩૩ મહિનાનો સૌથી નીચો સ્તર છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫માં કોર્પોરેટ કુલ રોકાણ રૂ. ૨૩.૬ લાખ કરોડ સુધી પહોંચ્યું, જે ૨૦૧૮-૧૯ના અંતે રૂ. ૯.૬ લાખ કરોડ હતું. ૨૦૧૯થી ૨૦૨૫ દરમિયાન, કોર્પોરેટ રોકાણમાં ઇક્વિટી ફંડ્સમાં ૧૨૯%નો વધારો થઈને રૂ. ૫.૪ લાખ કરોડ થયું, જ્યારે નોન-ઇક્વિટી ફાળવણી ૧૫૨% વધીને રૂ. ૧૮.૨ લાખ કરોડ થઈ ગઈ.