દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં મજબૂત વેચાણ નોંધાવ્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ૨૮ લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપનીઓએ કુલ રૂ.૯૨૫૦૦ કરોડની પ્રોપર્ટીનું વેચાણ કર્યું છે. રેગ્યૂલેટરી ફાઈલિંગ્સ અનુસાર આ કંપનીઓનું સંયુક્ત પ્રી-સેલ્સ રૂ.૯૨૪૩૭ કરોડ સુધી પહોંચ્યું છે, જેમાં બેંગલુરુ સ્થિત પ્રેસ્ટિજ એસ્ટેટ્સે સૌથી વધુ રૂ.૧૮૧૪૩.૭ કરોડનું વેચાણ બુકિંગ નોંધાવ્યું છે. દેશની સૌથી મોટી ડેવલપર કંપનીઓમાંની ડીએલએફ લિમિટેડે આ ગાળામાં રૂ.૧૫૭૫૭ કરોડનું પ્રી-સેલ્સ કર્યું છે, જ્યારે મુંબઈની ગોદરેજ પ્રોપર્ટીઝે રૂ.૧૫૫૮૭ કરોડનું બુકિંગ દર્શાવ્યું છે. લોઢા ડેવલપર્સે રૂ.૯૦૨૦કરોડ અને સિગ્નેચર ગ્લોબલે રૂ.૪૬૫૦ કરોડનું પ્રી-સેલ્સ નોંધાવ્યું છે. નોંધનીય છે કે માત્ર પાંચ મોટા ડેવલપર્સ મળી કુલ રૂ.૬૩૦૦૦ કરોડની પ્રોપર્ટીનું વેચાણ કરીને એકંદર વેચાણના આશરે ૭૦% હિસ્સો ધરાવે છે.
અન્ય લિસ્ટેડ કંપનીઓ જેવી કે શોભા લિમિટેડ રૂ.૩૯૮૧ કરોડ, બ્રિગેડ એન્ટરપ્રાઈસીસ રૂ.૩૧૫૨ કરોડ, ઓબેરોય રિયલ્ટી રૂ.૨૯૩૮ કરોડ અને કલ્પતરુ લિમિટેડ રૂ.૨૫૭૭ કરોડનું મજબૂત વેચાણ નોંધાવ્યું છે. પૂર્વાંકરા, કીસ્ટોન રિયલ્ટર્સ, સનટેક રિયલ્ટી, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ, કોલ્ટે–પાટિલ અને મહિન્દ્રા લાઈફસ્પેસે પણ રૂ.૧૧૦૦–૨૫૦૦ કરોડની રેન્જમાં વેચાણ બુકિંગ કર્યું છે. રૂ.૧૦૦૦ કરોડથી નીચેના પ્રી-સેલ્સમાં અજમેરા રિયલ્ટી રૂ.૮૨૮ કરોડ, રેમન્ડ રિયલ્ટી (રૂ.૭૬૦ કરોડ, આશિયાના હાઉસિંગ રૂ.૭૩૪ કરોડ, એમ્બસી ડેવલપમેન્ટ્સ રૂ.૬૦૭ કરોડ અને અમદાવાદની અરવિંદ સ્માર્ટસ્પેસીસ રૂ.૬૦૭ કરોડનો સમાવેશ થાય છે.
મુબંઈની અરિહંત સુપરસ્ટ્રક્ચર્સ અને મેક્સ એસ્ટેટ્સે અનુક્રમે રૂ.૩૮૬ કરોડ અને રૂ.૩૭૩ કરોડનું વેચાણ કર્યું છે. કેટલીક મધ્યમ કદની કંપનીઓ જેમ કે આર્કેડ ડેવલપર્સ, શ્રી લોટસ ડેવલપર્સ, એલ્ડેકો હાઉસિંગ અને સૂરજ એસ્ટેટ ડેવલપર્સે પણ સંતોષકારક બુકિંગ નોંધાવ્યું છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૨૬ અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીઓએ કુલ રૂ.૧.૬૨લાખ કરોડનું વેચાણ કર્યું હતું, જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ લગભગ રૂ.૩૦૦૦૦ કરોડના વેચાણ સાથે ટોચની કંપની તરીકે ઉભરી આવી હતી. તાજેતરના આંકડા સૂચવે છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં માંગ મજબૂત રહી છે અને મોટા ડેવલપર્સના પ્રોજેક્ટ્સમાં ખરીદીમાં તેજી યથાવત છે.

