ભારતીય શેરબજારમાં કોરોના પછી જોવા મળેલી તેજી છેલ્લા ૧૨ મહિનામાં ધીમા નફા અને વધતા વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે અટકી ગઈ છે. મુખ્ય સૂચકાંકો પોતાની અગાઉની ટોચથી અંદાજે ૫% નીચે છે, જ્યારે વ્યક્તિગત શેરોમાં નોંધપાત્ર નબળાઈ જોવા મળી રહી છે. BSE ૫૦૦ ઈન્ડેક્સમાં સામેલ ૩૦૦થી વધારે શેરો હાલમાં પોતાના સર્વોચ્ચ સ્તરથી ૨૦% કે તેથી વધુ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આ સ્થિતિ દર્શાવે છે કે ગયા એક વર્ષમાં કમાણીમાં મજબૂત વૃદ્ધિ ન મળતા ઊંચા ભાવને ટેકો આપવા રોકાણકારો સંકોચાઈ રહ્યા છે.
કોરોના બાદ સરકારે જાહેર મૂડી ખર્ચમાં વધારો કરીને માળખાગત સુવિધા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું. ગ્રાહકોએ પણ સંગ્રહિત બચતમાંથી ખર્ચ વધાર્યો હતો. આઈટી ક્ષેત્રની તેજી અને ભરતીને કારણે આવકમાં ઉછાળો આવ્યો, જ્યારે બેંકિંગ અને એનબીએફસીએ વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ ખર્ચને પૂરતું ભંડોળ પૂરું પાડ્યું હતું. જોકે, છેલ્લા ૧૨ મહિનામાં કંપનીઓની કમાણીમાં મર્યાદિત વધારો થવાને કારણે બજારનાં ઊંચા મૂલ્યાંકનને ન્યાય આપવો મુશ્કેલ બન્યો છે.
સાથે સાથે, યુએસ સાથેના વેપાર તણાવથી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે. મધ્યમ અને નાની કંપનીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન છે, કારણ કે વધતી સ્પર્ધા, માર્જિન દબાણ અને બિઝનેસ મોડલમાં પડકારોને કારણે તેમની આવક તથા નફામાં ઘટાડો થયો છે. આગામી મહિનાઓમાં બજારમાં તેજી ફરી જોવા મળશે કે કેમ તે મોટા ભાગે તાજેતરમાં કરાયેલા જીએસટી ઘટાડાથી વપરાશમાં કેટલો સુધારો થાય છે તેના પર આધારિત રહેશે.