કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખા ઇક્વિટી રોકાણે રૂ.૪ લાખ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક ફંડ મેનેજરોએ કુલ રૂ.૪.૦૨ લાખ કરોડનું રોકાણ સ્થાનિક ઇક્વિટીમાં કર્યું છે. પાછલા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડના રેકોર્ડ રોકાણ પછી, જો હાલની ગતિ જળવાઈ રહી તો ફંડ હાઉસો ૫ લાખ કરોડના સ્તર સુધી પહોંચી શકે છે. આ વર્ષ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઇક્વિટી ખરીદીનું સતત પાંચમું વર્ષ છે. કોરોના બાદના મજબૂત વળતરો સાથે રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે. ખાસ નોંધનીય એ છે કે સુસ્ત બજાર પરિસ્થિતિ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા થયેલી વેચવાલી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સનો રોકાણ પ્રવાહ ચાલુ રહ્યો છે.
આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારથી રૂ.૧.૬ લાખ કરોડની નિકાસ કરી છે. સ્થાનિક ફંડ હાઉસોના આ મજબૂત રોકાણથી વિદેશી વેચવાલીનો દબાણ સંતુલિત થયો છે, જેના કારણે બજારમાં મોટો ઘટાડો અટકાવવામાં સહાય મળી છે. બજાર નિરીક્ષકોનું કહેવું છે કે સતત રોકાણકાર વિશ્વાસ જાળવવો હવે સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે બજારની નબળાઈ છતાં રોકાણની ભાવના જાળવી રાખવી પડકારરૂપ બની શકે છે. બજારમાં મજબૂત સ્થાનિક ભાગીદારીને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. જો કે, બજારનું સતત પ્રદર્શન જ આ વિશ્વાસને ટકાવી રાખી શકશે.
અગાઉની મંદી દરમિયાન પણ રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ટક્યો હતો, પરંતુ લાંબા ગાળાની નબળાઈ સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. સકારાત્મક બાજુએ, હાલના મૂલ્યાંકન તેમના લાંબા ગાળાના સરેરાશ કરતાં નીચે હોવાથી મધ્યમ ગાળાના વળતરો માટે અનુકૂળ સ્થિતિ છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) દ્વારા પણ રોકાણ પ્રવાહ મજબૂત રહ્યો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન SIP મારફતે કુલ રૂ.૨.૨ લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાંથી આશરે ૯૦% ફંડ્સ ઇક્વિટી સ્કીમમાં જ મૂકવામાં આવ્યા છે. અસ્થિરતા અને ટૂંકા ગાળાના ઘટાડા વચ્ચે પણ રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહેવું બજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે.