છેલ્લા છ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી શેરોમાં થયેલું રોકાણ સૌથી નીચા સ્તરે આવ્યું છે. ઓક્ટોબર દરમિયાન ફંડ મેનેજરોએ શેરબજારમાં ખરીદીમાં સાવચેતી દાખવી હતી. બજારમાં સુધારાની સ્થિતિ વચ્ચે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં નવા રોકાણના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા અનુસાર, ઓક્ટોબર (૩૦ સુધી) મ્યુચ્યુઅલ ફંડોએ ઈક્વિટીમાં રૂ.૧૭,૭૭૮ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જે સપ્ટેમ્બરના રૂ.૪૬,૪૪૨ કરોડ અને ઓગસ્ટના રૂ.૭૦,૫૩૪ કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ઈક્વિટી રોકાણમાં આ ઘટાડાનું મુખ્ય કારણ નફારૂપી વેચવાલી અને વધેલા વેલ્યુએશન અંગેની ચિંતાઓ છે, કારણ કે શેરબજાર રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું હતું. વિશ્લેષકોના મતે, રોકાણકારોની પ્રોફિટ બુકિંગ સાથે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં ચોખ્ખું રોકાણ પણ ઓછું રહ્યું. ફંડ મેનેજરોએ નવી મૂડી તાત્કાલિક રોકવાના બદલે સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે જાહેર થતી કોર્પોરેટ પરિણામોની સીઝન પૂરી થાય ત્યાં સુધી સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. ઈક્વિટી રોકાણનું પ્રમાણ એક્ટિવ, પેસિવ અને હાઈબ્રિડ સ્કીમોમાં નાણાના પ્રવાહ પર આધારિત રહે છે.
હાઈબ્રિડ ફંડોની ઈક્વિટી ફાળવણી અને કેશ પોઝિશનમાં થયેલા ફેરફારોનો પણ કુલ રોકાણ પર પ્રભાવ પડ્યો હતો. કેટલાક ફંડ મેનેજરોએ વધેલા વેલ્યુએશન અને ફંડ ફ્લોઝની અનિશ્ચિતતા વચ્ચે શેરોની ખરીદીમાં સંયમ દાખવ્યો હતો. જુલાઈમાં રૂ.૪૨,૭૦૨ કરોડના રેકોર્ડ ઈન્ફ્લો બાદથી એક્ટિવ ઈક્વિટી સ્કીમોમાં રોકાણ પ્રવાહ ધીમો પડી રહ્યો છે – સપ્ટેમ્બરમાં તે રૂ.૩૦,૪૨૨ કરોડ રહ્યો હતો.
ઓક્ટોબર મહિનામાં શેરબજારમાં સતત સુધારાની લહેર જોવા મળી હતી, જેમાં નિફ્ટી ૫૦ અને સેન્સેક્સ બંને ઈન્ડેક્સ આશરે ૪.૫% વધ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત નેટ ખરીદદાર રહ્યાં, જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચવાલી ચાલુ રહી હતી.

