જીએસટીમાં ઘટાડાનો અમલ ૨૨ સપ્ટેમ્બર, સોમવારથી (નવરાત્રીના પ્રથમ દિવસે) શરૂ થતા જ દેશના ઓટો સેક્ટરે ઐતિહાસિક વેચાણ નોંધાવ્યું. મારુતિ સુઝુકી, હ્યુન્ડઈ મોટર અને ટાટા મોટર્સે પોતાના ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ એકદિવસીય વેચાણ દર્શાવ્યું છે. મારુતિ સુઝુકીએ માત્ર એક જ દિવસે ૩૦,૦૦૦ કારની ડિલીવરી કરી અને ૮૦,૦૦૦થી વધુ ઈન્ક્વાયરી પ્રાપ્ત કરી. કંપનીએ જણાવ્યું કે છેલ્લા ૩૫ વર્ષમાં ગ્રાહકો તરફથી એવો પ્રતિસાદ ક્યારેય મળ્યો નહોતો. હ્યુન્ડઈ મોટર ઈન્ડિયાએ પણ નવરાત્રીના પ્રથમ દિવસે ૧૧,૦૦૦ ડીલર બિલિંગ કર્યા, જે છેલ્લા ૫ વર્ષનો રેકોર્ડ છે. ટાટા મોટર્સે પણ લગભગ ૧૦,૦૦૦ કારની ડિલીવરી સાથે પોતાના ઈતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ૨૫,૦૦૦થી વધુ ગ્રાહક પૂછપરછ નોંધાવી.
જીએસટી માળખામાં થયેલા ફેરફારથી નાના કાર સેગમેન્ટ (સબ-૪ મીટર મોડલ્સ) પર ટેક્સ ૨૮% પરથી ઘટીને ૧૮% થયો છે અને સાથે જ કોમ્પેન્સેશન સેસ દૂર કરવામાં આવ્યો છે. અગાઉ આ કેટેગરી પર ૨૯-૩૧% સુધી ટેક્સ લાગતો હતો. મારુતિએ જણાવ્યું કે ૧૮ સપ્ટેમ્બરથી, જ્યારે કંપનીએ જીએસટીમાં ઘટાડા ઉપરાંત વધારાના લાભોની જાહેરાત કરી, ત્યારથી દરરોજ સરેરાશ ૧૫,૦૦૦ નવી બુકિંગ મળી રહી છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ ૫૦% વધારે છે. હ્યુન્ડઈ અને ટાટા મોટર્સે પણ જણાવ્યું કે તહેવારોની સીઝનની શરૂઆત ગ્રાહકોના વધેલા ઉત્સાહને કારણે અત્યાર સુધીની સૌથી સારી રહી છે.