દેશમાં રિટેલ ફુગાવાનો દર સપ્ટેમ્બર માસમાં ઘટીને માત્ર ૧.૫૪% રહ્યો છે, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. ઓગસ્ટમાં ફુગાવાનો દર ૨.૦૭% હતો, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે ૫.૪૯% નોંધાયો હતો. ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ દરમિયાન બીજી વાર છે કે ફુગાવો ૨%થી નીચે રહ્યો છે. જુલાઈમાં પણ તે ૧.૬% રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ખાદ્યચીજોના ભાવમાં ઘટાડો, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવ ઘટવાને કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે.
ખાદ્યચીજોના રિટેલ ફુગાવાનો દર માઈનસ ૨.૨૮% રહ્યો છે, જે પણ છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછો છે. ઓગસ્ટમાં આ દર માઈનસ ૦.૬૪% હતો, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે ૯.૨૪ નોંધાયો હતો. ખાસ કરીને શાકભાજીના ભાવમાં ૨૧.૪% અને કઠોળના ભાવમાં ૧૫.૩%નો ઘટાડો નોંધાયો છે. બન્ને કેટેગરીના ભાવોમાં સતત આઠમા મહિને ઘટાડો જોવા મળ્યો છે. રેટિંગ એજન્સી ઈક્રાની ચીફ ઈકોનોમિસ્ટએ જણાવ્યું હતું કે ફૂડ અને બેવરેજિસ કેટેગરીમાં ફુગાવાનો દર ઘટીને ૧.૪% રહ્યો છે, જે છેલ્લા ૮૧ મહિનામાં સૌથી ઓછો છે.
તેમના જણાવ્યા મુજબ, ખાદ્યચીજોમાં થયેલો ઘટાડો કુલ ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો કે, કેટલીક કેટેગરીઓમાં ભાવવધારો પણ નોંધાયો છે. મિસેલેનિયસ આઈટેમ્સ (વિવિધ વસ્તુઓ)ના ફુગાવાનો દર વધીને ૫.૩૫% થયો છે, કારણ કે સોના અને ચાંદીના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સાનુકૂળ બેઝ ઈફેક્ટ, શાકભાજી, તેલ-ફેટ, ફ્રૂટ, કઠોળ, અનાજ, ઈંડા અને ફ્યૂઅલ-લાઈટ જેવી કેટેગરીમાં થયેલા ભાવ ઘટાડાના કારણે કુલ ફુગાવો ઘટ્યો છે. રિઝર્વ બેંકે પણ તાજેતરમાં તેની એમપીસીની બેઠક બાદ ચાલુ વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ ૩.૧%થી ઘટાડીને ૨.૬% કર્યો હતો.