ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં દેશમાં રિટેલ વેચાણમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૪ની તુલનામાં, વર્તમાન વર્ષની ૧ ઓગસ્ટથી ૨૬ ઓક્ટોબર સુધીની ૮૭ દિવસની તહેવારોની મોસમ દરમિયાન રિટેલ વેચાણ ૧૧% વધ્યું હોવાનું રિટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (RAI)ના તાજા આંકડાઓ દર્શાવે છે. આ વૃદ્ધિ ઉપભોક્તા માંગમાં સુધારો અને જીએસટી બચત મહોત્સવના સીધા પ્રભાવનું પ્રતિબિંબ છે. RAI દ્વારા હાથ ધરાયેલા ૬૬મા રિટેલ બિઝનેસ સર્વે અનુસાર, નીચા જીએસટી દરવાળા માલસામાન તરફ ગ્રાહકોનું આકર્ષણ નોંધનીય રહ્યું છે.
ખાસ કરીને રૂ.૨૫૦૦થી ઓછી કિંમતનાં એપેરલ અને ફૂટવેર પર લાગતા ૧૨% જીએસટીના કારણે તેમની વેચાણ વૃદ્ધિ વધુ જોવા મળી. બીજી તરફ, રૂ.૨૫૦૦ કરતાં વધુ કિંમતનાં એપેરલની માંગ ધીમી દેખાઈ હતી. શ્રેણીવાર જોવામાં આવે તો ફૂડ અને ગ્રોસરી, જ્વેલરી અને ફૂટવેરlમાં ૧૨% સુધીનો વધારો નોંધાયો છે. સ્પોર્ટ્સ ગુડ્સમાં ૧૧% અને બ્યૂટી તેમજ વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોમાં ૯% વૃદ્ધિ જોવા મળી છે.
ભારતમાં પ્રદેશવાર વેચાણ વૃદ્ધિમાં પશ્ચિમ વિસ્તાર સૌથી આગળ રહ્યો છે, જ્યારે ઉત્તર અને પૂર્વમાં ૧૦% તથા દક્ષિણ ભારતમાં ૯% વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષની શરૂઆતથી જુલાઈ સુધી વેચાણ માત્ર એક અંકમાં વધારો દર્શાવતું હતું, પરંતુ તહેવારોની સીઝન તથા જીએસટી બચત મહોત્સવને કારણે વેચાણ ફરીથી દ્વિઅંકી વૃદ્ધિ તરફ વળ્યું છે. આ ગાળામાં ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSR) એ સૌથી સારો પ્રદર્શન કર્યું હોવાની માહિતી પણ સામે આવી છે.

