ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં રશિયાથી ભારત ખાતે ક્રુડ તેલના પૂરવઠામાં લગભગ ૫૦%નો મોટો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં જ્યાં પ્રતિદિન ૧૮.૯૦ લાખ બેરલ ક્રુડ મળતું હતું, ત્યાં નવેમ્બરમાં ઘટાડો થઈ તે માત્ર ૯.૪૮ લાખ બેરલ પ્રતિદિન પર આવી ગયું છે. આ ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકાએ ૨૧ નવેમ્બરથી રશિયાની બે મોટી ક્રૂડ ઓઈલ કંપનીઓ – રોઝનેફ્ટ અને લુકઓઈલ – પર લગાવેલા નવા પ્રતિબંધો છે. પ્રતિબંધ લાગુ થાય તે પહેલાં જ ભારતીય રિફાઈનરીઓએ રશિયાથી ક્રુડની ખરીદીમાં ધીમો વલણ અપનાવ્યું હતું. પરિણામે, આવતા મહીનાઓમાં ભારતના ક્રુડ પુરવઠેદારોમાં મોટા ફેરફારો સર્જાઈ શકે છે. રશિયા પર યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા સતત પ્રતિબંધો લાગતા રશિયન ક્રુડની સપ્લાય વૈશ્વિક સ્તરે પ્રભાવિત થઈ છે.
માત્ર ભારત જ નહીં, ચીનમાં પણ રશિયન ક્રુડનો પુરવઠો નવેમ્બરમાં ૩૯% ઘટીને ૭.૦૬ લાખ બેરલ પ્રતિદિન રહ્યો છે, જ્યારે તુર્કીમાં ૬૦% ઘટાડો નોંધાયો છે. ગયા નાણાં વર્ષ દરમિયાન ભારતે રશિયાથી કુલ ૮.૮૦ કરોડ બેરલ ક્રુડ આયાત કર્યું હતું, જેમાંથી ૬૦% સપ્લાય રોઝનેફ્ટ અને લુકઓઈલ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રતિબંધોની અસરથી હવે ભારત પોતાની ખરીદી મધ્યપૂર્વ અને અમેરિકા તરફ વાળવાની તૈયારીમાં છે. વર્તમાન મહિનામાં અમેરિકા પાસેથી ભારતની ક્રુડ ખરીદી વધીને ૫.૬૬ લાખ બેરલ પ્રતિદિન થઈ છે. ખાસ કરીને અમેરિકા તરફથી લાગુ કરાયેલા વધારાના ૨૫% ટેરિફ દૂર થાય તે માટે ભારત વધારાની ખરીદી કરીને દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

