એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે ભારતની વૃદ્ધિ અંગેનો વિશ્વાસ યથાવત્ રાખતાં ચાલુ નાણાં વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૫% પર જ રાખ્યો છે, જ્યારે આવતા વર્ષની વૃદ્ધિ ૬.૭% રહેવાની શક્યતા દર્શાવી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે ટેક્સ દરમાં ઘટાડો, આવકવેરા રાહત તથા મોનિટરી પોલિસી હળવી થવાના સંયોગી પ્રભાવથી દેશમાં કન્ઝમ્પ્શન આધારિત વૃદ્ધિ મજબૂત બની છે. સપ્ટેમ્બર ત્રિમાસિકના જીડીપી આંકડા ૨૮ નવેમ્બરે જાહેર થવાના છે, એ પહેલા જ એસ એન્ડ પીએ આ અંદાજો સામે મૂક્યા છે. એજન્સીએ તેના ‘ઈકોનોમિક આઉટલૂક એશિયા-પેસિફિક’ રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાના ટેરિફ હોવા છતાં ભારતનો સ્થાનિક માંગ આધારિત ગ્રોથ સ્થિર અને મજબૂત રહ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ચાલુ વર્ષે ૬.૮% વૃદ્ધિનો અંદાજ આપ્યો છે, જે ગયા વર્ષની ૬.૫% વૃદ્ધિ કરતા વધારે છે. એસ એન્ડ પીએ આગાહી કરી છે કે જો ભારત – અમેરિકા ટ્રેડ ડીલ પર સકારાત્મક પ્રગતિ થશે તો વેપાર સંબંધોમાં રહેલી અનિશ્ચિતતા ઘટશે, વિશ્વાસ વધશે અને લેબર-ઈન્ટેન્સિવ સેક્ટરોમાં તેજી જોવા મળશે. બીજી તરફ, વર્તમાન તબક્કે સરકાર તરફથી આવકવેરા મુક્તિ મર્યાદામાં રૂ.૭ લાખથી વધારીને રૂ.૧૨ લાખ કરાયેલી સુધારા તથા ટેક્સ રાહતમાં મળેલી રૂ.૧ લાખ કરોડની છૂટને કારણે મધ્યમ વર્ગનું વપરાશ વધતું જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત, જૂન મહિનામાં આરબીઆઈએ વ્યાજ દરોમાં ૦.૫૦% ઘટાડો કરીને રેપો રેટને ૫.૫% સુધી ઘટાડ્યો હતો – જે ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી છે. નવરાત્રીના આરંભથી લાગુ કરાયેલા જીએસટી સ્ટ્રક્ચરલ ફેરફારોને કારણે ૩૭૫ જેટલી વસ્તુઓના ભાવ ઘટ્યા છે, જેના પરિણામે આવતા મહિનાઓમાં ઉપભોગમાં વધુ તેજીની સંભાવના છે. એસ એન્ડ પીના જણાવ્યા મુજબ, આ તમામ પગલાંઓ ભારતની વૃદ્ધિને “રોકાણ આધારિત’ મોડેલમાંથી હળવા હળવે ‘વપરાશ આધારિત’ મોડેલ તરફ લઈ જઈ રહ્યા છે.

