રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી પર અમેરિકા દ્વારા વધતા દબાણની અસર હવે સ્પષ્ટ થવા લાગી છે. મળતી માહિતી મુજબ રશિયાનું ક્રુડ ઓઈલ લઈને ભારત આવી રહેલો એક ટેન્કર બાલ્ટિક સીમાં અધવચ્ચે જ યુ-ટર્ન લઈને પાછો વળી ગયો છે. આ પગલું રશિયા સામેના અમેરિકી પ્રતિબંધોના પાલનરૂપ લેવામાં આવ્યું હોવાનું મનાય છે. રશિયાની સરકારી તેલ કંપની રોઝનેફટ, જેના પર અમેરિકાએ તાજેતરમાં પ્રતિબંધ મૂક્યા છે, તેનું જ ક્રુડ તેલ આ ટેન્કર મારફતે ભારત તરફ આવી રહ્યું હતું. આ સિવાય રશિયાની લુકઓઈલ પર પણ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. ભારત તરફ આવતું આ જહાજ ગુજરાતના સિક્કા બંદર માટે નિર્ધારિત હતું, જેનો ઉપયોગ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બીપીસીએલ બંને કરે છે.
શિપની અવરજવર ટ્રેક કરનારા પ્લેટફોર્મ કેપ્લર અને વોરટેકસાના અહેવાલ મુજબ આ ટેન્કર નવેમ્બરના મધ્ય સુધી સિક્કા પહોંચવાનું હતું, પરંતુ માર્ગ બદલાતા પૂરવઠા પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. વિશ્લેષકોનું માનવું છે કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા સામે વધતી સખતાઈને પગલે ભારતને ત્યાંથી મળતું સસ્તું ક્રુડ ઓઈલ પુરવઠો હવે લગભગ બંધ થવાની શક્યતા છે. અમેરિકી પ્રતિબંધોને અનુરૂપ પગલાં લેવાશે તેવી ખાતરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પણ વ્યક્ત કરવામાં આવી છે. ભારતની ઓઈલ રિફાઈનરીઓ હાલ નવા પ્રતિબંધોને કારણે રશિયાથી ક્રુડ ખરીદીમાં અચકાશે છે. રશિયા અને ભારત વચ્ચેના ઊર્જા વેપારમાં આ સૌથી મોટો વળાંક ગણાવી શકાય છે.




