યુરોપ સાથે ભારતે કરેલા મુકત વેપાર કરારને દેશના ટેકસટાઈલ તથા એપરલ ઉદ્યોગે આવકાર્યો છે. આ કરારથી ભારતના ટેકસટાઈલ ઉદ્યોગની યુરોપમાં સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને નિકાસમાં વૃદ્ધિ જોવા મળશે તેવી એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઈપીસી) દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.આ કરારથી ઉદ્યોગનું માનસ એકદમ પ્રોત્સાહક બન્યું છે એમ કાઉન્સિલના ચેરમેન ડો. એ. શક્તિવેલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
કરારને પરિણામે યુરોપ ખાતે ભારતની ટેકસટાઈલ નિકાસ આગામી ત્રણ વર્ષમાં બમણી થઈ જવાની ઉદ્યોગ અપેક્ષા રાખી રહ્યું છે. સદર કરારમાં ભારતના એપરલ તથા ટેકસટાઈલ પ્રોડકટસ પર શૂન્ય ડયૂટીની જોગવાઈથી યુરોપની બજારમાં ભારતની સ્પર્ધાત્મકતામાં વધારો થશે. યુરોપની બજારોમાં ભારતના નિકાસકારો લાંબા સમયથી ટેરિફ સંબંધિત ગેરલાભોનો સામનો કરી રહ્યા છે.
મુકત વેપાર કરાર લાગુ થયા બાદ ભારતની યુરોપ ખાતે એપરલ નિકાસ વાર્ષિક ધોરણે ૨૦થી ૨૫ ટકા જેટલી વધવાનો ઉદ્યોગ દ્વારા અંદાજ મુકાઈ રહ્યો છે. હાલમાં આ વિસ્તારમાં નિકાસમાં ૩ ટકા જેટલી જ વૃદ્ધિ જોવા મળી રહી છે.યુરોપ એ વિશ્વમાં એપરલનો સૌથી મોટો આયાતકાર વિસ્તાર છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં યુરોપની એપરલ આયાત અંદાજે ૨૦૨.૮૦ અબજ ડોલર રહી હતી.
જર્મની, સ્પેન, ફ્રાન્સ તથા ઈટાલી જેવા યુરોપના દેશો ભારત ખાતેથી એપરલ તથા ગારમેન્ટસની મોટેપાયે આયાત કરે છે. ભારતની એપરલ નિકાસમાં ૨૮ ટકા જેટલો હિસ્સો યુરોપનો છે. ટેરિફ નાબુદ કરાતા ભારત હવે બાંગલાદેશ, વિયેતનામ તથા તુર્કીની સ્પર્ધા કરી શકશે જેઓ હાલમાં યુરોપની બજારમાં ડયૂટી ફ્રી અથવા પ્રાથમિકતાના લાભો મેળવી રહ્યા છે. મુકત વેપાર કરારને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીએ સમયસરનો ગણાવ્યો છે અને દેશના ટેકસટાઈલ ઉદ્યોગ માટે મહત્વની ઘટના તરીકે વર્ણવ્યો છે.
Nikhil Bhatt
Business Editor
Investment Point
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

