શેરબજારમાં વધતી વોલેટિલિટીને કારણે નવા ડીમેટ ખાતા ખોલાવવાની ગતિ ધીમી પડી છે. ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં નવા ડીમેટ ખાતાની સંખ્યામાં ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તાજેતરના આંકડા મુજબ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન કુલ ૨.૧૮ કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા છે, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં ૩.૬૧ કરોડ ખાતા ખોલાયા હતા. આ રીતે, એક વર્ષમાં આશરે ૧.૪૦ કરોડ ખાતાઓનો ઘટાડો નોંધાયો છે. હાલ દેશમાં ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૦.૭૦ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ૨૦૨૧માં ફક્ત ૬.૯૦ કરોડ હતી – એટલે કે છેલ્લા ચાર વર્ષમાં ત્રણગણો વધારો થયો છે.
સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી એનએસડીએલ પાસે ૪.૧૯ કરોડ અને સીડીએસએલ પાસે ૧૬.૫૨ કરોડ ખાતા નોંધાયા હતા. બજારમાં સતત ઊંચચાવ વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં મોટા કરેકશન જોવા મળ્યા હતા, જેના કારણે રિટેલ રોકાણકારોની ઉત્સુકતા ઓછી થઈ છે. સપ્ટેમ્બરમાં માત્ર ૨૪.૬૦ લાખ નવા ખાતા ખોલાયા – જે મે બાદનો સૌથી નીચો આંક છે. ઓગસ્ટમાં ૨૪.૯૦ લાખ અને જુલાઈમાં ૨૯.૮૦ લાખ ખાતા ખોલાયા હતા. ડીપોઝિટરી ડેટા મુજબ, ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં દર મહિને સરેરાશ ૨૪.૨૦ લાખ નવા ખાતા ઉમેરાયા, જ્યારે ગયા વર્ષે આ સરેરાશ ૪૦ લાખ રહી હતી.
આથી સ્પષ્ટ થાય છે કે શેરબજારની અનિશ્ચિતતાએ નવા રોકાણકારોના ઉત્સાહને ઠંડો પાડ્યો છે. તેથી પણ, નિષ્ણાતો માને છે કે વર્ષના અંતિમ ત્રિમાસિકમાં નવા જાહેર ભરણાં (IPO)ની સંખ્યામાં વધારો થવાને કારણે ડીમેટ ખાતાઓમાં ફરી વૃદ્ધિ જોવા મળી શકે છે. વર્ષના શરૂઆતમાં આવેલા IPOએ રોકાણકારોને સંતોષકારક વળતર આપ્યું ન હોવાથી નવા ખાતા ખોલાવામાં મંદી જોવા મળી હોવાનું એનાલિસ્ટોએ જણાવ્યું છે.સાથે જ, વૈશ્વિક ઈક્વિટીઝની સરખામણીએ ભારતીય ઈક્વિટીઝની કામગીરી પણ આ વર્ષે નબળી રહી છે – જેના કારણે ઘણા નવા રોકાણકારોએ બજારમાં પ્રવેશ કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.