સપ્ટેમ્બર મહિનામાં ભારતના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ થોડું ધીમી પડી છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી સર્વિસ પીએમઆઈ ઓગસ્ટના ૬૨.૯૦ની સરખામણીએ ઘટીને ૬૦.૯૦ રહ્યો છે. નિકાસ તથા વેપાર પ્રવૃત્તિ મંદ પડવાથી તથા નવા ઓર્ડર અને રોજગારમાં મંદ વૃદ્ધિને કારણે આ ઘટાડો નોંધાયો છે. જો કે, સતત ચોથા મહિને પીએમઆઈ ૬૦ની ઉપર રહ્યો છે, જે દર્શાવે છે કે સેવા ક્ષેત્ર હજુ પણ વિસ્તરણ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટનો ઈન્ડેકસ પંદર વર્ષની ટોચે રહ્યો હતો. સામાન્ય રીતે પીએમઆઈ ૫૦થી ઉપર રહે ત્યારે તે ક્ષેત્રમાં વિસ્તરણ દર્શાવે છે, જ્યારે ૫૦થી નીચેના પીએમઆઈ સંકોચનનો સંકેત આપે છે.
રિપોર્ટ મુજબ, નવા ઓર્ડર, નિકાસ અને રોજગાર વૃદ્ધિમાં ધીમાપો જોવા મળ્યો છે, તેમ છતાં કુલ કામકાજની સ્થિતિ હજી પણ સાનુકૂળ છે. અમેરિકા દ્વારા ઓગસ્ટથી લાગુ કરાયેલ ટેરિફ છતાં સેવા ક્ષેત્રની વૃદ્ધિ પર વિશેષ અસર જોવા મળી નથી. વેપાર ભાવિ અંગે કંપનીઓમાં આશાવાદ મજબૂત રહ્યો છે. સેવા ક્ષેત્રમાં “ભવિષ્ય પ્રવૃત્તિ ઈન્ડેકસ” માર્ચ બાદ ઊંચી સપાટીએ રહ્યો છે, જે દર્શાવે છે કે કંપનીઓ આગામી મહિનાઓમાં વૃદ્ધિની આશા રાખી રહી છે.
જો કે આંતરરાષ્ટ્રીય માગમાં સુધારો ધીમો રહ્યો છે અને નિકાસ વૃદ્ધિ દર માર્ચ બાદના નીચલા સ્તરે નોંધાયો છે. સેવા માટેના દર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નહીં રહેતા નવા ઓર્ડરમાં વધારો મર્યાદિત રહ્યો છે. રોજગાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ ધીમી રહી છે – સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી પાંચ ટકા કરતાં પણ ઓછી કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી કરી હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જાહેર થયેલા ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) પીએમઆઈમાં પણ ઘટાડો નોંધાયો હતો – ઓગસ્ટમાં ૫૯.૩૦થી ઘટીને સપ્ટેમ્બરમાં ૫૭.૭૦, જે છેલ્લા ચાર મહિનાનો તળિયો છે.