Ahmedabad,તા.16
વડોદરામાં ઘરની બહાર રમી રહેલા સગીર પર ટ્રોલી સાથેનું ટ્રેકટર ચડાવી દેવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.સી.દોશીએ ટ્રિબ્યુનલ દ્વારા અરજદારને જે વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો તે વધારીને રૂ.3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ અકસ્માતમાં સગીરના હાથની ચાર આંગળીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો અને તેને 30 ટકા સુધીની કાયમી અપંગતા આવી ગઇ હતી. આ હકીકત ધ્યાને લઇ હાઇકોર્ટે અરજદારને રૂ.3,02,500નું વળતર અપાવતો મહત્ત્વનો હુકમ કર્યો હતો.
કેસની વિગત મુજબ, વડોદરા ખાતે સગીર જયેશ ગત તા.3-5-2007ના રોજ પોતાના ઘરની સામે રમી રહ્યો હતો ત્યારે અનવરસિંહ દુરસિંહ રાઠવા ટ્રોલી સાથેનું ટ્રેકટર પૂરપાટઝડપે, બેફામ અને ગફલતભરી રીતે હંકારતો ત્યાં આવ્યો હતો અને રમતા સગીરને જોરદાર ટક્કર મારી હતી. જેમાં સગીરના ડાબા હાથ પર ટ્રેકટરના વિશાળ પૈડા ફરી વળ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં સગીરને પોતાની ચાર આંગળીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ અંગેના મોટર વાહન અકસ્માત દાવાના કેસમાં અરજદારપક્ષ તરફથી વડોદરા ટ્રિબ્યુનલમાં ત્રણ લાખ રૃપિયાનું વળતર માટેની માંગણી કરવામાં આવી હતી. જો કે, ટ્રિબ્યુનલે આ કેસમાં ડ્રાઇવર અનવરસિંહ રાઠવા અને ટ્રેકટરના માલિક માનસિંહ દેવાભાઇ કોળીને જવાબદારી ઠરાવી રૂ.1,48,000 વળતર અપાવતો હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે આ કેસમાં વળતર ચૂકવવામાંથી વીમા કંપનીની જવાબદારી બનતી નહી હોવાનું ઠરાવી તેને બાકાત રાખી હતી. જેનાથી નારાજ થઇ સગીર દ્વારા હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી.
આ અકસ્માતમાં સગીરને 30 ટકા સુધીની કાયમી અપંગતા અને આંશિક વિકલાંગતા આવી ગઇ છે અને તેની ચાર આંગળીઓ પણ આ અકસ્માતમાં કચડાઇ ગઇ હતી. આ સંજોગોમાં ટ્રિબ્યુનલ દ્વારા માત્ર રૂ.1,48,000 વળતર ચૂકવવાનો કરાયેલો હુકમ બિલકુલ અયોગ્ય, અપૂરતો અને ગેરકાયદેસર છે.
હાઇકોર્ટે કેસની હકીકતો ધ્યાને લઇ અરજદારને યોગ્ય અને પૂરતું વળતર અપાવવું જોઇએ. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ટ્રિબ્યુનલના હુકમમાં સુધારો કરી અરજદારને 7.5 ટકાના વ્યાજ સાથે રૂ.3,02,500નું વળતર અપાવતો હુકમ કર્યો હતો. વળતરની આ રકમ છ સપ્તાહમાં ટ્રિબ્યુનલમાં જમા કરાવી દેવા પણ હાઇકોર્ટે કસૂરવાર ડ્રાઇવર અને માલિકને હુકમ કર્યો હતો.