Rajkot, તા.8
રાજકોટ નાગરિક સહકારી બેન્કના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી માટે સંસ્કાર પેનલના 15 જેટલા ઉમેદવારોએ ચૂંટણી અધિકારી પ્રભવ જોષી સમક્ષ નામાંકન પત્ર રજુ કરી ઉમેદવારી નોંધાયા બાદ સંસ્કાર પેનલના પ્રણેતા કલ્પક મણિયારએ જણાવ્યું હતું કે અમારી લડાઇ ફ્રોડ (કૌભાંડ) સામે છે.
આ બેન્ક દ્વારા હજુ પગલા લેવાય તો તેઓએ સમાધાનની તૈયારી દર્શાવી હતી. કલ્પક મણિયારે રાજકોટ નાગરિક સહકારી બેન્ક જુનાગઢ શાખાના 20 થી 25 કરોડના કૌભાંડ તેમજ મુંબઇ કાલબા જેવી શાખાના કરોડોના કૌભાંડનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ કૌભાંડો અંગે તેઓએ તમામ આધાર-પુરાવા બેન્કના વહીવટકર્તાઓને સુપ્રત કર્યા છે.
તેમ છતાં હજુ સુધી આ કૌભાંડોમાં કોઇપણ જાતના પગલા લેવામાં આવેલ નથી કે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી. કૌભાંડો પ્રત્યે પગલા લેવામાં નાગરિક સહકારી બેન્કના વહીવટકર્તા ઉદાસીનતા દાખવી રહ્યા છે.
આ કૌભાંડોમાં સામેલ મદદકર્તાઓને બેન્કના વહીવટકર્તા દ્વારા સીરપાઉ એટલે કે પ્રમોશન આપવામાં આવી રહ્યા છે. નક્કર સ્વરૂપના પગલા લેવામાં બેન્કના અત્યારના વહીવટકર્તાઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે. બેન્કના વહીવટકર્તાઓને આક્ષેપો અંગે કાનૂની નોટીસ ફટકારવામાં આવી છે.
બેન્કના લાખો સભાસદોના હિતમાં નક્કર સ્વરૂપના પગલા લેવાય તે અતિ આવશ્યક છે. બેન્કના કૌભાંડો અંગે વર્તમાન વહીવટકર્તાઓ દ્વારા જો પગલા લેવાય તો તેઓએ તેમની પેનલના તમામ 15 ઉમેદવારોના નામાંકન પત્ર પરત ખેંચી લેવાની તૈયારી દર્શાવી હતી.