ઘટનાસ્થળે પહોંચેલા ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ તપાસ બાદ મહિલાને મૃત જાહેર કરી હતી
New York , તા.૨૫
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે મેટ્રોમાં એક મહિલાને સળગાવીને હત્યા કરી દેવાઈ હતી. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સવારે સાડા ૭.૩૦ વાગ્યાની આસપાસ મેટ્રોમાં મહિલા પાસે પહોંચ્યો અને સ્ટેશન પર ઉતરતા તેને આગ ચાંપી દીધી હતી. આગમાં દાઝી જવાથી મહિલાનું મોત નિપજ્યું હતું.ન્યૂયોર્ક પોલીસ કમિશનર જેસિકા ટીશે જણાવ્યું કે આરોપી મહિલાને આગ ચાંપ્યા બાદ મેટ્રોમાંથી નીચે ઉતરીને પ્લેટફોર્મ પર બેસીને તે મહિલાને સળગતી જોઈ રહ્યો હતો. પીડિત મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ટિશે કહ્યું હતું કે મેટ્રો સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓને ટ્રેનમાંથી ધુમાડો નીકળતો દેખાયો અને બળવાની ગંધ પણ આવી. આ પછી તેઓ સ્થળ પર પહોંચ્યા અને જોયું કે પીડિતા આગમાં સળગી રહી હતી. આ પછી અધિકારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં, ઘટનાસ્થળે પહોંચેલા ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ તપાસ બાદ મહિલાને મૃત જાહેર કરી હતી. પોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટના સમયે મહિલા સૂતી હતી. એક ચેનલના અહેવાલ મુજબ આરોપીએ મહિલાના ધાબળામાં આગ લગાવી દીધી હતી. સ્ટેશન પર બેઠેલા આરોપીઓની તસવીરો પોલીસના બોડી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે, તે સમયે તેની ઓળખ થઈ શકી નહોતી. આ પછી, પોલીસે બોડી કેમેરામાંથી મેળવેલા ફૂટેજને સાર્વજનિક કર્યા હતા અને આરોપીઓને પકડવા માટે લોકોની મદદ માંગી હતી. પોલીસે આરોપીને પકડવામાં મદદ કરવા બદલ ઇં૧૦,૦૦૦નું ઈનામ રાખ્યું હતું. આ પછી સ્કૂલના ૩ બાળકોએ આરોપીને જોયો અને તેના વિશે માહિતી આપી હતી. તેના આધારે પોલીસે અન્ય મેટ્રો ટ્રેનમાંથી આરોપીની ધરપકડ કરી હતી.