Mumbai,તા.17
અમેરિકામાં મુખ્ય ફુગાવો અપેક્ષા કરતા ઓછો વધીને આવતા ગુરુવારે મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈને ફરી એક લાખ ડોલરની સપાટી કુદાવી હતી. મુખ્ય ફુગાવો ધારણાં કરતા ઓછો વધતા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની શકયતા ફરી વધી ગઈ છે.
અમેરિકામાં ગ્રાહક ભાવ નિર્દેશાંક ડિસેમ્બરમાં ૨.૯૦ ટકા અપેક્ષા પ્રમાણે જ રહ્યો છે, પરંતુ ફૂડ તથા એનર્જીના ભાવો સિવાયનો ફુગાવો ૩.૩૦ ટકાની ધારણાં સામે ૩.૨૦ ટકા રહ્યો છે જેને કારણે વ્યાજ દરમાં કપાતની શકયતા વધી ગઈ છે.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૯૬૮૩૮ ડોલર અને ઉપરમાં ૧૦૦૮૪૩ ડોલર થઈ મોડી સાંજે ૯૮૯૭૦ ડોલર બોલાતો હતો. છેલ્લા ચાર દિવસમાં બિટકોઈનમાં દસ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૫માં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં બે વખત ઘટાડો આવશે તેવી ટ્રેડરો અપેક્ષા રાખી રહ્યા છે. આ અગાઉ ગયા સપ્તાહે લેબર માર્કેટના ડેટા મજબૂત આવતા વ્યાજ દરમાં કપાત ધીમી પડશે તેવી શકયતાએ બિટકોઈને એક લાખ ડોલરની સપાટી ગુમાવી હતી.અમેરિકામાં બિટકોઈન રિઝર્વ ઊભું કરવાના નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિચારને ટેકો મળી રહ્યો હોવાના અહેવાલે પણ ભાવને ટેકો આપ્યો હતો. બિટકોઈન ઈટીએફસમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭૨ કરોડનો ઈન્ફલો જોવા મળ્યો છે. ટ્રમ્પની સત્તા ગ્રહણ કરવાની તારીખ નજીક આવી રહી છે તેમ બિટકોઈન સહિતની ક્રિપ્ટોસમાં રોકાણકારોનું આકર્ષણ વધી રહ્યું છે. ૨૦ જાન્યુઆરીએે ટ્રમ્પની તાજપોશી પહેલા બિટકોઈનમાં ભારે વોલેટિલિટીની શકયતા જોવાઈ રહી છે.
ટ્રમ્પ ક્રિપ્ટો કરન્સીસની તરફેણમાં નિયમો લાવશે તેવી ખેલાડીઓ આશા રાખી રહ્યા છે. બિટકોઈનની પાછળ ગુરુવારે અન્ય ક્રિપ્ટોસ જેમ કે સોલાના, એકસઆરપી, બિનાન્સમાં પણ કરન્ટ જોવા મળ્યો હતો.