Mumbai,તા.2
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે. એટલે કે પાકિસ્તાનની સાથે આ ટૂર્નામેન્ટની મેચો ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીસીબીએ શનિવારે આઈસીસીની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો કે ટીમ ઈન્ડિયાની મેચો તટસ્થ સ્થળો પર રમાશે.
જોકે પાકિસ્તાને ICC સમક્ષ કેટલીક શરતો મૂકી છે. PCB ઈચ્છે છે કે, તેની નાણાકીય વર્ષની આવકમાં 5.75 ટકાનો વધારો થાય. ઉપરાંત, 2031 સુધીમાં, ભારતમાં યોજાનારી તમામ મોટી ઇવેન્ટ હાઇબ્રિડ મોડલમાં હોવી જોઈએ.
ભારતે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. શરૂઆતમાં પાકિસ્તાન એ વાત પર અડગ રહ્યું કે ભારતે પાકિસ્તાન આવવું પડશે. પરંતુ, ભારતના કડક વલણ પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આખરે હાઇબ્રિડ મોડલ માટે સંમત થયું છે. આ પહેલા શુક્રવારે હાઈબ્રિડ મોડલ અંગેની બેઠક શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
જ્યારથી પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીના હોસ્ટિંગ અધિકાર મળ્યા છે ત્યારથી સુરક્ષાના કારણોસર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય : એવી અટકળો ચાલી રહી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી શકે છે. ભારતે અગાઉ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ એશિયા કપમાં ભારતની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અગાઉ તમામ ભારતીય મેચો લાહોરમાં યોજવાનો અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ભારતે આ સ્વીકાર્યું ન હતું, ત્યારે (PCB) એ પણ હાઇબ્રિડ મોડલ માટે ઇનકાર કર્યો હતો.
વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય
શુક્રવારે વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંકીને પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે.
ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. જો ICC ભારત વિના ટૂર્નામેન્ટ રમવા માંગે છે તો ટીમ તેના માટે પણ તૈયાર છે.