Vadodara,તા.17
ચાલુ વર્ષના અંતમાં વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાશે ત્યારે ભાજપને લોકોની યાદ આવી છે. અત્યાર સુધી લોકો પૂરની પરિસ્થિતિ હોય કે, રોજબરોજ પ્રાથમિક સુવિધાની વિકટ સમસ્યા હોય તેનો સામનો કરતા રહે છે તેવે સમયે કોર્પોરેશનનું બજેટ તૈયાર કરવામાં આવનાર છે. પ્રથમ વખત તમામ વિસ્તારના લોકો પાસેથી પ્રાથમિક સુવિધાને સ્પર્શતા કામોના સૂચનો મંગાવવાનું વધુ એક નાટક કરવામાં આવ્યું છે.
પૂરની પરિસ્થિતિ, રોજબરોજની પ્રાથમિક સુવિધાના અભાવની ફરિયાદો વચ્ચે જીવતી વડોદરાની પ્રજા પાસે તેમના વિસ્તારના સ્પર્શતા કામો મોકલવા અપીલ કરી શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે ભારે પૂર આવ્યું. જે વિસ્તારોમાં ઇતિહાસમાં પૂરના પાણી ક્યારે પણ ભરાતા ન હતા તેવા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. હજી પૂરની પરિસ્થિતિને લોકો ભૂલી શક્યા નથી. એટલું જ નહીં રોજબરોજ પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રસ્તા, આરોગ્ય, ટ્રાફિક જેવી અનેક પ્રાથમિક સુવિધાના પ્રશ્નો વચ્ચે લોકો અટવાતા રહે છે અને રજૂઆતો કરતા રહે છે. કોર્પોરેશનના નવા વર્ષના બજેટની પૂર્વ તૈયારી ચાલી રહી છે ત્યારે લોકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. જે અંગે કોર્પોરેશન દ્વારા એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી કરવામાં આવી છે. પ્રથમ વખત લોકભાગીદારીથી બજેટ તૈયાર કરવામાં આવશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી સાથે વર્ષ 2025-26 ના બજેટ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. નવા વિકાસના કાર્યો તેમજ આવક જાવકની આંકડાકીય માહિતી મેળવી હતી. દરમ્યાનમાં બજેટમાં લોકોના સૂચનો મંગાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને તેમના વિસ્તારમાં જે કોઈ સુવિધા ઊભી કરવાની હોય તેની માહિતી મગાવી છે. આ અંગે કોર્પોરેશન દ્વારા એક ઓડીયો ક્લિપ ફરતી કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનનાં ઈએમ આઈડી ઉપર સૂચનો તા.26 સુધી મોકલી આપવા જણાવ્યું છે.