Mumbai,તા.06
૨૦૨૩ની સરખામણીએ વર્તમાન કેલેન્ડર વર્ષમાં બેન્કો, મ્યુચ્યુઅલ ફન્ડો, વીમા કંપનીઓ સહિતના ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો ભારતીય ઈક્વિટી કેશમાં રોકાણ આંક ૨૭૫ ટકાથી વધુ રહીને રૃપિયા પાંચ લાખ કરોડની નજીક પહોંચી ગયો છે.
૨૦૨૩માં ભારતીય ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈએ કુલ રૃપિયા ૧,૮૧,૪૮૨.૦૯ કરોડનું રોકાણ કર્યું હતું. વર્તમાન વર્ષમાં ૫ ડિસેમ્બર સુધીમાં આ આંક રૃપિયા ૪,૯૩,૩૭૭.૧૩ કરોડ પહોંચી ગયો છે.
૨૦૨૪માં ડીઆઈઆઈની જંગી ખરીદી રહી છે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ઈક્વિટી કેશમાં રૃપિયા ૨,૭૩,૪૭૦.૮૭ કરોડની વેચવાલી રહી છે. ૨૦૨૩માં એફઆઈઆઈએ રૃપિયા ૧૬૩૨૫.૧૯ કરોડની નેટ વેચવાલી કરી હતી.
૨૦૨૪નો ડીઆઈઆઈનો રોકાણ આંક ૨૦૨૨ની ટોચ કરતા ૧.૮૦ ગણો વધુ છે.
મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત રિટેલ રોકાણકારોના ભારતીય ઈક્વિટીસમાં સહભાગ વધવાને કારણે ડીઆઈઆઈની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે. ડીઆઈઆઈની કુલ ખરીદીમાં ૮૦ ટકાથી વધુ ખરીદી ફન્ડ હાઉસોની રહેલી છે, એમ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય છે.
ઓકટોબરના અંતે સમાપ્ત થયેલા છેલ્લા ૪૪ મહિનાથી ફન્ડોની ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણકારોનો નેટ ઈન્ફલોસ રહ્યો છે. અન્ય એસેટ કલાસની સરખામણીએ ઈક્વિટીમાં ઊંચા વળતર મળી રહેતા હોય રોકાણકારો ઈક્વિટીસને વધુ પસંદ કરી રહ્યા હોવાનું બજારના વર્તુળો માની રહ્યા છે.
એફપીઆઈની વેચવાલી વચ્ચે ડીઆઈઆઈની જંગી ખરીદીને પરિણામે ઈક્વિટી બજારમાં ખાસ મોટો ઘટાડો જોવા મળ્યો નથી અને રોકાણકારોનો રસ પણ જળવાઈ રહ્યો છે. ડીઆઈઆઈની આક્રમક ખરીદીને પગલે ભારતીય ઈક્વિટીસમાં ડીઆઈઆઈ તથા એફપીઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓલ ટાઈમ લો પહોંચી ગયો હતો.