Mumbai,તા.30
વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે ઈલેકટ્રીક વાહનો હાલ લોકપ્રિય બન્યા છે. ઈલેકટ્રીક યાત્રી વાહન બજારની અગ્રણી કંપની ટાટા મોટર્સે ઈવી બજારમાં વધતી સ્પર્ધાનો સામનો કરવા માટે રેન્જ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
કંપનીએ જણાવ્યું છે કે, તેમના બધા નવા ઈલેકટ્રીક વાહનો એકવાર ચાર્જ કરવામાં ઓછામાં ઓછા 500 કિલોમીટર ચાલશે. સામાન્ય રીતે દેશમાં વેચાતા દર બે ઈવીમાંથી એક ટાટાનું હોય છે.
ટાટા મોટર્સના વ્યવસ્થાપક ડિરેકટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, કંપની પહેલાથી જ આ દિશામાં પગલુ ભરી ચૂકી છે. તેણે 45 કિલો વોટ પ્રતિ કલાકની બેટરી ક્ષમતા સાથે નેકસન ઈવી ઉતારી છે. જેની રેન્જ 489 કિલોમીટર છે. જે પહેલા 325 કિલોમીટર હતી. આ પ્રકારની નવી કર્વની રેન્જ 500 કિલોમીટર બતાવાઈ છે.
ઈલેકટ્રીક વાહનો માટેના બેટરી સેલના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડાને કારણે આ સંભવ થયું છે. ચંદ્રાએ જણાવ્યું હતું કે જયારે અમે ઈવી તરફ વલણ અપનાવ્યું તો બેટરીની કિંમત 220થી 230 ડોલર પ્રતિ કિલો વોટ કલાક હતી, પણ કિંમતમાં 50થી 60 ટકા ઘટાડો થયો છે.
આથી સમાન કિંમતોમાં બેટરીની ક્ષમતા વધારવાનો એક જબરદસ્ત અવસર પેદા થયો છે. જોકે તેમણે સ્વીકાર્યુ હતું કે આ એક કોયડો પણ છે. કારણ કે ટાટા મોટર્સના પ્રારંભિક ગ્રાહકોને આથી નિરાશા મળી શકે છે એટલે અમે રેન્જ અને સુવિધા વધારવાનો નિર્ણય લીધો છે.