Mumbai તા.25
શેરબજારમાં તેજી મંદીનાં ઉતારચઢાવ વચ્ચે અનેક પેની સ્ટોકસમાં અસામાન્ય તેજી થઈ છે. અમદાવાદ સ્થિત ભારત ગ્લોબલ ડેલવપર્સના શેરનાં ભાવમાં જબરજસ્ત વધારા બાદ સેબી એકશનમાં આવી ગઈ છે. પરંતુ આવી ડઝનબધ કંપનીઓ છે જેના શેર છેલ્લા એક વર્ષમાં 1000 થી માંડીને 65000 ટકા સુધી વધ્યા છે. 300 થી 65000 ટકાનો ઉછાળો સુચવતા હોય આ શેરોની સંખ્યા 200 થી વધુ છે.બહુ મર્યાદિત કામગીરી અને મામુલી નફો હોવા છતાં આ કંપનીઓનાં શેરોની તેજી શંકાસ્પદ ગણાય છે.
શેરબજારની તેજી વખતે શેરોનાં ભાવમાં વધાયો થાય તે બાબત સામાન્ય છે. ભારતીય શેરબજાર કોરોનાકાળથી સતત તેજીમાં છે. વાર્ષિક 10 કરોડથી પણ ઓછુ ટર્નઓવર ધરાવતી 99 કંપનીઓના શેરના ભાવમાં અભૂતપૂર્વ વધારો ઈન્વેસ્ટરો જ નહિં, માર્કેટ રેગ્યુલેટર સેબીની આંખો પણ પહોળી કરી દેનારો છે.
શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવીઝનનાં શેરના ભાવ પર નજર કરવામાં આવે તો ગત વર્ષનાં ડીસેમ્બરમાં માત્ર 3 રૂપિયા હતો આ વર્ષની 10 મી ડીસેમ્બરે તેનો ભાવ 2198 હતો 3 કરોડનું ટર્નઓવર અદે 21 કરોડની ખોટ ધરાવતી કંપનીનું માર્કેટ કેપીટલાઈઝેશન 4600 કરોડ છે.શેર મુડી ઘટાડાયા બાદ ગત 2 એપ્રિલે કંપનીના શેરનું રૂા.41 માં રીલીસ્ટીંગ થયુ છે.
આજ રીતે પાવર ટ્રાન્સફોર્મર ઉત્પાદક કંપની માર્સન્સનું ટર્નઓવર 6.43 કરોડ અને નફો 63 લાખ છે. પરંતુ એક વર્ષમાં શેર 4478 ટકા ઉંચકાયો છે. કંપનીનું માર્કેટ કેપ 3065 કરોડ થવા જાય છે.
આયુષ ફૂડનું ટર્નઓવર માત્ર 60 લાખ છે. કંપનીનો શેર વર્ષ દરમ્યાન 4155 ટકા ઉંચકાયવો હતો. કંપનીનું માર્કેટ કેપ 671 કરોડ હતું.
વાર્ષિક 10 કરોડથી પણ ઓછુ ટર્નઓવર હોવા છતા એક વર્ષમાં શેરના ભાવ 1000 ટકા કરતા વધુ વધ્યા હોય તેવી કંપનીઓની સંખ્યા 36 થવા જાય છે. શેરબજારનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે 2007 ની સ્થિતિનું પુનરાવર્તન છે. ત્યારે સ્મોલકેપ શેરોમાં આંધળુકીયા થયા હતા.ફુગ્ગો ફુટતાની સાથે ઈન્વેસ્ટરોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો હતો. ધંધામાં કોઈ કસ ન હોવા છતાં હાલ સંખ્યાબંધ શેરો રોકેટ ગતિએ ઉછળી રહ્યા છે. આઈએમઈસી સર્વીસ, કિનિક એકસપોર્ટ, તરમાર એન્ટરપ્રાઈઝ જેવી કંપનીઓનાં શેરો પણ 1000 ટકા કે તેથી વધુ ઉંચકાયા છે.
માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા અમદાવાદ સ્થિત ભારત ગ્લોબલ ડેવલપરના શેરના ટ્રેડીંગ પર પ્રતિબંધ મુકયો હતો. કંપનીનો શેર એક વર્ષમાં 10,000 ટકાથી વધુ ઉંચકાયો હતો. શેરબજારના જાણકારોએ કહ્યું કે અનેક પેની સ્ટોક્સમાં અસામાન્ય ભાવવધારો છે. સટ્ટાકીય પ્રવૃત્તિ સાથે કૃત્રિમ તેજીના ખેલનો ઇન્કાર થઇ શકતો નથી અને તેમાં નવા-નાના ઇન્વેસ્ટરો ફસાઇ જતા હોય છે.
સેબીએ અગાઉ જ અજાણી કંપનીઓમાં રોકાણ કે વેપાર કરવા સામે ચેતવણી જારી કરી હતી. ગત ઓક્ટોબરમાં ટ્રાફીક સોલ સામે કાર્યવાહી પણ કરી હતી.