Morbi , તા.31
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોને પોલીસ વિભાગ દ્વારા આડેધડ મેમા દેવામાં આવે છે તેવી ફરિયાદ સાથે ગઇકાલે રીક્ષા ચાલકો દ્વારા પોતાની રીક્ષાના પૈડા થંભાવી દેવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રિક્ષાચાલકો સામે જે આડેધડ કાર્યવાહી કરવામાં આવે છે તે રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો રીક્ષા ચાલકો ઉપર અત્યાચાર ચાલુ રાખવામાં આવશે તો મોરબી જિલ્લામાં તમામ રિક્ષાઓના પૈડા થંભાવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી રીક્ષા ચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મોરબીમાં ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તે માટે છેલ્લા દિવસોથી પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા માર્ગો ઉપર સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવે છે અને તે અંતર્ગત રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને જેમાં મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડ્યા હોય, ડોક્યુમેન્ટ ન હોય, ફેન્સી નંબર પ્લેટ હોય વગેરે જેવી બાબતોને ધ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
જો કે તેમાં કેટલાક રીક્ષા ચાલકોને આડેધડ મેમો દેવામાં આવ્યા હોય આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં રીક્ષા ચાલકો એકત્રિત થયા હતા અને તેઓને આડેધડ પોલીસ વિભાગ દ્વારા મેમા દેવામાં આવે છે તેવી ફરિયાદ સાથે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રીક્ષા ચાલકો રેલી સ્વરૂપે ગયા હતા અને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં મોરબીના રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે તેઓની રીક્ષા લોન ઉપર ચાલતી હોય છે અને દર મહિને રિક્ષાના હપ્તા અને પરિવારનું ગુજરાન રીક્ષા ઉપર જ ચાલતું હોય છે ત્યારે તેઓને આડેધડ જે મેમા દેવામાં આવે છે .
તેમજ રીક્ષા ડીટેન કરીને 25,000 જેવા મેમો દેવામાં આવતા હોવાથી રીક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થાય છે અને થોડા સમય પહેલા જ કોઈ અશરફભાઈ નામના રિક્ષા ચાલકે ટેન્શનમાં આવીને ઝેરી દવા આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે થઈને રીક્ષા ચાલકો ઉપર અત્યાચાર ગુજારવાનું બંધ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ રીક્ષા ચાલકો રીક્ષાઓ બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.