વિવિધ જિલ્લાના ૩૫૨ સ્પર્ધકોએ કૌવત બતાવ્યુ,રાજ્ય સરકાર દ્રારા ૨.૩૪ લાખના ઈનામ વિતરણ કરાયા
ભાઈઓમા પ્રથમ નંબરે બારૈયા પિયુષે ૯.૧૩ મિનિટમા તેમજ બહેનોમા બાવળીયા ત્રિસાએ ૧૨.૭ મિનિટમા સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા બન્યા
Dhoraji તા.૨૪
ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વત ખાતે રાજ્યકક્ષાની પાંચમી ‘‘ઓસમ આરોહણ – અવરોહણ‘‘ સ્પર્ધામાં યોજાઈ ઓસમ ડુંગરની ગોદમા ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉમંગ અને ઉત્સાહ સાથે પાંચમી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય પાડલીયાજિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દિહોરા ધોરાજી ડેપ્યુટી કલેકટર નાગાજણ તરખાલા તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાળા તેમજ તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના આગેવાનો એ લીલીઝંડી દ્રારા શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ સાત જિલ્લાના ૩૫૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૨૦ વિજેતાઓને રૂ.૨.૩૪ લાખના ઈનામથી મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા.
યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ – ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે પાંચમી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા‘‘નું આયોજન કરાયુ હતું, આ સ્પર્ધામાં ભાઈઓમાં ૯.૧૩ મિનિટ સાથે બારૈયા પિયુષ પ્રથમ ક્રમાંકે તેમજ બહેનોમાં ૧૨.૭ મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળીયા ત્રિસા વિજેતા થયા હતા. પાટણવાવ ખાતે ઓસમ ડુંગરની ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ સ્પર્ધકો પરત પહોંચ્યા હતા.
આ તકે ધારાસભ્ય પાડલીયાએ ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન અને વિજેતાને ઈનામ વિતરણ કરી જણાવ્યું કે, ‘‘ કોઈપણ સ્પર્ધામા ભાગ લેવો એ સ્પર્ધા જીતવા બરાબર જ હોય છે, ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતગમતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે‘‘. ખેલમહાકુંભ જેવા મહોત્સવોથી યુવાનોને એક રમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળ્યુ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમા રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપી રમતવીરોનુ સન્માન કરે છે.
ત્યારે આજે ઓસમ ડુંગરમા યોજાયેલ પાંચમી આરોહણ અવરોહણ સ્પર્ધામા વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરે છે અને વિજેતા સ્પર્ધકો આગામી તા.૫ જાન્યુઆરીના રોજ ગીરનાર ખાતે યોજાનાર સ્પર્ધામા ભાગ લઈ શકશે તેમ ધારાસભ્ય એ ઉમેર્યુ હતુ.
રાજ્યના રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ ૮ જિલ્લામાંથી ૧૪ થી ૧૮ વર્ષના ૧૯૭ ભાઈઓ તથા ૧૫૫ બહેનો સહિત ૩૫૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ખેલાડીઓને ચેસ્ટ નંબર આપી રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. સ્પર્ધાનુ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા ને રૂ. ૨૫ હજાર, દ્વિતિય નંબરને રૂ.૨૦ હજાર, તૃતિય નંબને રૂ. ૧૫ હજાર એમ કુલ મળી ૧ થી ૧૦ નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.૨.૩૪ લાખના ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.