Begging,તા.૨૭
ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર રીતે લોન આપવાના આરોપમાં દોષિત ઠર્યા બાદ બેંક ઓફ ચાઈના ભૂતપૂર્વ ચેરમેન લિયુ લિયાંગને મંગળવારે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, આ સજા બે વર્ષ માટે સ્થગિત રહેશે. ચીનના પૂર્વ શાનડોંગ પ્રાંતના જિનાન શહેરની એક અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે તેણે ૧૨૧ મિલિયન યુઆન (૧૬.૮ મિલિયન) કરતાં વધુની લાંચ લીધી હતી.
અદાલતે જણાવ્યું હતું કે લિયુને જીવનભર રાજકીય અધિકારોથી વંચિત રાખવામાં આવશે, તેની તમામ અંગત સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને તેના તમામ ગેરલાભને જપ્ત કરવામાં આવશે અને સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે.
કોર્ટને જાણવા મળ્યું કે લિયુએ એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના અને બેંક ઓફ ચાઈના ખાતેના તેમના વિવિધ હોદ્દાનો લાભ ઉઠાવીને લોન આપવા, પ્રોજેક્ટ સહકાર અને કર્મચારીઓની વ્યવસ્થા જેવી બાબતોમાં લાંચ લઈને અન્ય લોકોને મદદ કરી હતી. તેના બદલામાં તેણે કરોડોની લાંચ લીધી હતી. આ ઉપરાંત, તે નિયમોનું ઉલ્લંઘન કરીને અયોગ્ય કંપનીઓને ૩.૩૨ બિલિયન યુઆનથી વધુ મૂલ્યની લોન ઇરાદાપૂર્વક જારી કરવા બદલ પણ દોષિત ઠર્યો હતો.
જેના કારણે બેંકોને અંદાજે ૨૭ મિલિયનનું નુકસાન સહન કરવું પડ્યું હતું. લ્યુ ચીનના બીજા એવા મોટા બેન્કર છે જેમને તાજેતરમાં ભ્રષ્ટાચાર માટે સજા થઈ છે. અગાઉ ૨૦ નવેમ્બરે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ એગ્રીકલ્ચરલ બેંક ઓફ ચાઈનાના પૂર્વ ઉપાધ્યક્ષ લુ વેનલોંગને ભ્રષ્ટાચારના કારણે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
પૂર્વોત્તર ચીનના હેઇલોંગજિયાંગ પ્રાંતના પૂર્વ ઉપ-ગવર્નર વાંગ યિક્સિન સામે કથિત રીતે લાંચ લેવાના આરોપમાં જાહેર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે ફરિયાદીઓએ આક્ષેપ કર્યો છે કે વાંગે અન્યોને ફાયદો પહોંચાડવા માટે હેનાન અને શાંક્સી પ્રાંતમાં તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને બદલામાં મોટી લાંચ લીધી હતી.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ૨૦૧૨માં સત્તામાં આવ્યા બાદથી જંગી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ શરૂ કરી છે, જેમાં બે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનો અને ડઝનેક ટોચના લશ્કરી અધિકારીઓ સહિત દસ લાખથી વધુ અધિકારીઓને સજા કરવામાં આવી છે.

