ગોંડલના મોડા દડવા ગામે પતંગ ચગાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી સશસ્ત્ર હુમલો : પાંચ ઘવાયા
Rajkot,તા.17
રાજકોટ જિલ્લામાં તદ્દન નજીવી બાબતે નવ હુમલાની ઘટના સામે આવી છે. અલગ અલગ નવ હુમલાની ઘટનાના 21 લોકો ઘવાયા છે જયારે ગોંડલ સીટી, ગોંડલ તાલુકા, ભાયાવદર, શાપર વેરાવળ પોલીસમાં કુલ 23 શખ્સો સામે ગુનો નોંધાયો છે. જયારે ગોંડલના મોટા દડવા ગામે બનેલી ઘટનામાં પાંચથી વધુ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં ગોંડલના મોટા દડવા ગામે ઉત્તરાયણ પર્વે પતંગ ચગાવવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી અને રકઝક થયાં બાદ ગઈકાલે રાત્રે હુમલો થયાની ઘટના સામે આવી છે. મામલામાં એક જૂથે સશસ્ત્ર હુમલો કરતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે આટકોટ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલના મોટા દડવા ગામે ઉત્તરાયણ પર્વે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ ગઈકાલે સાંજે છ વાગ્યાં આસપાસ વિજય કિશોર ચારોલીયા, વિક્રમ ઉર્ફે કાળું કિશોર ચારોલીયા, જગુભાઈ, રામજીભાઈ સહીતના શખ્સો ધારિયું, પાઇપ, ચેઇનના ચક્કર લઈને ધસી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. ત્યારે આ હુમલામાં મયુર દાદુભાઇ સોલંકી(ઉ.વ.14), દિનેશ નરસિંહભાઇ સોલંકી(ઉ.વ.50), વિનુભાઈ દિનેશભાઇ સોલંકી(ઉ.વ.20), નરસિંહભાઈ નારણભાઈ સોલંકી(ઉ.વ.80) અને અરવિંદ દિનેશભાઇ સોલંકી(ઉ.વ 22)ને ઈજાઓ પહોંચી હતી. હુમાખોરોએ સશસ્ત્ર હુમલો કરતા આખા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
ગોંડલ સીટી પોલીસમાં ઠાકુરભાઇ દિત્યાભાઇ સીંગાડ(ઉ.વ. ૨૪)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણના રોજ બપોરે એક વાગ્યાં આસપાસ હું તથા મારો ભત્રીજી સાગર, મારો નાનો ભાઈ કૈલાશ એમ અમે ત્રણેય ગોંડલ ખરીદી કરવા માટે આવેલ હતા અને ગોંડલ માંડવી ચોકમાં પહોંચ્યાં હતા ત્યારે અમારા સંબંધી કમલેશ નીનામા ભેગા થયેલ અને બાદ અમે ચારેય જણા ગોંડલ કડીયા લાઈન બાજુ ખરીદી કરવા નિકળેલ હતા. જ્યાં રાદડીયા ડ્રાયફ્રુટ દુકાન પાસે પહોંચતા એક મોટર સાયકલ ડબલ સવારીમાં આવેલ અને મોટર સાયકલ કમલેશ સાથે ભટકાવેલ હતું. જેથી મારા ભાઈ કૈલાશે મોટરસાયકલ ચાલકને જોઈને ચલાવવાનું કહેતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયાં હતા અને ગાળો આપવા લાગેલ હતા. બાદમાં એક શખ્સે નેફામાંથી છરી કાઢી કપાળના ભાગે ઘા ઝીંક્યો હતો. ત્યારબાદ ભત્રીજા સાગરને પેટના ભાગે છરીનો ઘા પેટમાં ઝીંકી દીધો હતો. ઉપરાંત વધુ એક છરીનો ઘા કૈલાશભાઈને જમણા હાથની કોણીના ભાગે ઝીંકી દીધો હતો. બાદમાં બંને શખ્સો નાસી જતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગોંડલ તાલુકા પોલીસમાં વલ્લભભાઈ જાદવભાઈ ધોળકિયા (ઉ.વ-૩૮)એ નોંધાવેલી ફરિયાદમાં અતુલ મગન પરમાર, નરેશ છગનભાઇ પરમાર, અજય હરસુખ મકવાણા અને પિયુષ મુકેશ જિંજરીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે સવારે અગિયાર વાગ્યાં આસપાસ હું મારૂ મોટરસાયકલ નંબર જીજે-03-ઈએફ-5174 લઈને નાસતો લેવા ગયો હતો અને નાસતો લઈને પરત યુનિટી સિમેન્ટના મેન ગેટ પાસે પહોંચતા મોટર સાયકલના પાછળના ભાગે એક બ્લેક કલરની હોન્ડા કંપનીની એમેઝ કારે ટક્કર મારી હતી. ટક્કરના લીધે મેં રાડ પાડતા કારમાથી અતુલ નીચે ઉતર્યો હતો અને બોલાચાલી કરવા લાગ્યો હતો. તેની સાથે નરેશ, અજય હાથમા લાકડાનો ધોકો અને લોખંડનો પાઇપ લઈને નીચે ઉતર્યા હતા અને મને માર મારવા લાગ્યા હતા. દરમિયાન પિયુષ નામના શખ્સે ઢીંકાપાટુનો માર માર્યો હતો. મારામારી દરમિયાન નરેશ બોલતો હોય કે તે મારી બહેન સાથે મૈત્રી કરાર કરેલા હતા એટલે તને માર માર્યો છે. બાદમાં હુમલાના પગલે લોકો એકત્રિત થઇ જતાં હુમલાખોરો નાસી ગયાં હતા અને ત્યારબાદ મને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મારા બંને પગ અને ડાબા હાથમા ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું હતું.
ભાયાવદર પોલીસમાં વેલશીભાઇ નાથાભાઈ વંચળા નામના ૫૪ વર્ષીય પ્રૌઢે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના રોજ હું મજૂરીએ જઈને પરત સાંજે ચાર વાહયે આવ્યો હતો. ત્યારે મારા પુત્ર હિમેશે વાત કરેલ કે આજે બપોરે હું પતંગ ચગાવી ઘરે આવતો હતો ત્યારે રવિ ઇસ્વરભાઈ સલીયાના ઘર પાસેથી નીકળેલ ત્યારે આ રવીએ ઇટનો ઘા મારી બાજુ કરેલ હતો પણ મને વાગેલ નહી. બાદમાં રવિએ મને ગાળો આપી હતી અને માર મારવા લાગેલ હતો. દરમિયાન રવીના પિતા ઇસ્વરભાઈએ લાકડી વડે મને માર માર્યો હતો. બાદમાં સ્થાનિકોએ મને બચાવી લેતા હું ઘરે આવી ગયો હતો. આ બનાવનું કારણ જણાવતા ફરિયાદીએ કહ્યું હતું કે, મારી દિકરીની સગાઇ કરવામાં આરોપીએ મારા સગાઓ પાસેથી પૈસા ખાધા હોય અને તે બાબતે અમે આરોપીઓને અગાઉ કહેલ હોય તેનું મનદુખ રાખી મારા દીકરાને માર માર્યો હતો.