Ahmedabad,તા.30
ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ‘દર્દી’ઓ શોધી તેમના પરાણે એન્જીયોપ્લાસ્ટીની સર્જરી સહિતના ઓપરેશન મારફત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ‘નાણા’ મેળવી લેવા માટે કુખ્યાત ખ્યાતિ હોસ્પીટલ પ્રકરણમાં હજુ અનેક ધડાકા થઈ રહ્યા છે અને ફકત ખ્યાતિ જ નહી ગુજરાતની અનેક હોસ્પીટલોમાં પણ આ પ્રકારે ગોરખધંધા ચાલતા હોવાની માહિતી બહાર આવતા જ અનેક હોસ્પીટલો બ્લેક લીસ્ટેડ થઈ છે.
ત્યાં જ હવે આ ખ્યાતિ હોસ્પીટલના સ્થાપક કાર્તિક પટેલનું ખ્યાતિ જમીન કૌભાંડ બહાર આવ્યુ છે અને તેણે ફકત સર્વે નંબરના નકશા પરથી જ અમદાવાદ નજીક સાંતેજ અને આસપાસના વિસ્તારોના 500 થી 1000 ચોરસવારના પ્લોટ વેચી માર્યા હોવાનું અને વાસ્તવમાં તે જમીનની માલીકીથી લઈ કબ્જા અંગે પણ પ્રશ્ન હોવાનું બહાર આવતા હજારો કરોડ રૂપિયા તેમાં ખ્યાતિ ગ્રુપે મેળવી લીધા હોવાનું બહાર આવ્યુ છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, રાજયના કેટલાક ટોચના આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓએ પણ આ પ્લોટ-નકશા જોઈને ખરીદ્યા છે પણ તેઓ તેમના નાણા અંગે કોઈ ખુલાસો કરી શકે નહી હોવાથી મૌન ધારણ કરીને બેસી ગયા છે.
ખ્યાતિ હોસ્પીટલ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં જંગી નાણાનો ભ્રષ્ટાચાર થયો હોવાથી અન્ય તપાસની સાથે હવે એન્ફોર્સમેન્ટ વિભાગે પણ તપાસમાં ઝંપલાવ્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લોકોના આરોગ્ય માટે સુરક્ષા કવચ જેવો આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અને તેમાં ભ્રષ્ટાચારની યોજના હચમચી ગઈ છે.
ગુજરાતમાંથી જ આ કૌભાંડ બહાર આવતા તે મુદો વિપક્ષો માટે પણ હથિયાર બની ગયો છે તેમાં હવે તમામમાં ઈડીને જોડવામાં આવી છે. ઈડી દ્વારા ખ્યાતિ હોસ્પીટલના ઓડિટ રિપોર્ટની તપાસ કરતા તથા હાલ ફરાર રહેલા હોસ્પીટલના ડિરેકટર કાર્તિક પટેલના નિવાસે તપાસમાં જમીનના સોદા અંગે જે દસ્તાવેજો મળ્યા તેમાં આ કૌભાંડ બહાર આવ્યુ છે.
પટેલ હાલ દુબઈમાં હોવાનું મનાય છે અને તેને રાજકીય છત્રથી બચાવાઈ રહ્યા હોવાની ચર્ચા છે. હવે ઈડીએ આ અંગે એક એન્ફોર્સમેન્ટ- કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ તા.19ના રોજ નોંધ્યા છે. જેનો મતલબ તેમાં વધુ તપાસ જરૂરી છે.
આ તમામ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ખ્યાતિ-લેન્ડ પાસેથી જમીન લેનાર અધિકારીઓ તથા અન્ય હાઈપ્રોફાઈલ લોકોની પુછપરછ કરી રહ્યા છીએ અને તેમાં મનીલોન્ડ્રીંગ-કાળાનાણાને ધોળા કરવા સહિતના પાસામાં તપાસ થશે. ખ્યાતિ લેન્ડના બેન્ક ખાતાઓની માહિતી પણ મેળવાઈ છે.
એક તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પોર્ટલથી ખ્યાતિ હોસ્પીટલ સાથે જોડાયેલા તપાસની ધરપકડ થઈ છે પણ હવે ખ્યાતિ લેન્ડ કૌભાંડમાં તો મોટા માથાઓની સંડોવણીના ઘટસ્ફોટ ભવિષ્યમાં નવા ધડાકા કરી શકે છે.