Mumbai,તા.14
ચેન્નઈ સ્થિત સ્ટ્રક્ચરલ સ્ટીલ ડિઝાઈન અને ડિટેલિંગ કંપની ટીમ ડિટેલિંગ સોલ્યુશન્સે તેના કર્મચારીઓને 28 કાર અને 29 બાઈક ભેટમાં આપી છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને વધુ સારા પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ ભેટ આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓને તેમની સખત મહેનત અને સમર્પણની પ્રશંસાના પ્રતિક તરીકે હ્યુન્ડાઈ, ટાટા, મારુતિ સુઝુકી અને મર્સિડીઝ બેન્ઝ તરફથી વિવિધ પ્રકારની નવી કાર આપવામાં આવી હતી.
ગુજરાતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી સુરતમાં પણ ડાયમંડના ઘણાં બિઝનેસમેન દિવાળીમાં પોતાના કર્મચારીઓને અવનવી મોંઘી ભેટ આપવા માટે પ્રચલિત છે. સવજી ધોળકિયા, જીગ્નેશ ધોળકિયા, અમદાવાદના રમેશ મરંડે સહિતના ઘણાં બિઝનેસમેન પોતાના કર્મચારીઓને ભેટમાં કાર આપી ચૂક્યા છે.
કર્મચારીઓનો આ રીતે આભાર માન્યો
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીધર કન્નને જણાવ્યું હતું કે, “અમે કંપનીની સફળતામાં તેમના (કર્મચારીઓ)ના અથાક પ્રયાસોને બિરદાવવા માગતા હતા. અમે માનીએ છીએ કે અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી સંપત્તિ છે. કંપનીએ કર્મચારીઓના યોગદાનને તેમની કામગીરી, વર્ષોની સેવાના આધારે માપ્યું છે. અમારા કર્મચારીઓએ અસાધારણ પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે અને તેમની સિદ્ધિઓને ઓળખવામાં અમને ગર્વ છે.”
મોંઘી કાર ઉપરાંત આ લાભો પણ આપ્યા
કંપનીમાં લગભગ 180 કુશળ કર્મચારીઓ સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના માટે મોંઘી કાર અને બાઈક ખરીદવી દિવાસ્વપ્ન સમાન છે. કંપનીએ એવા કર્મચારીઓમાંથી કામ અને લાયકાતના આધારે કાર અને બાઈક ભેટ કરી છે. 2022માં કંપનીએ તેના બે વરિષ્ઠ સહયોગીઓને કાર ભેટમાં આપી હતી. આજે 28 કાર ગિફ્ટ કરી છે. જેમાં કેટલાકને મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મર્સિડીઝ બેન્ઝ આપી છે. કંપનીએ નિશ્ચિત રકમ સાથે કાર કે બાઇક આપવાની જાહેરાત કરી છે. વધુમાં જો કર્મચારીને કંપની દ્વારા પસંદ કરાયેલા વાહન કરતાં વધુ સારા વાહનની જરૂર હોય તો તેણે બાકીની રકમ ચૂકવવી પડશે. કાર ગિફ્ટ કરવા ઉપરાંત, કંપની કર્મચારીઓને લગ્ન સહાય તરીકે પૈસા પણ આપી રહી છે.
આ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જો કોઈ સહકર્મી લગ્ન કરી રહી હોય, તો અમે તેમને લગ્ન સહાય તરીકે 50,000 રૂપિયા આપતા હતા. હવે અમે આ વર્ષથી તેને વધારીને 1 લાખ રૂપિયા કરી દીધા છે.’