Gandhinagar,તા.06
ગુડા દ્વારા તારીખ ૨૦મીએ ૭ પ્લોટની હરાજી કરવાનો નિર્ણય લેવાયો તેમાંથી જેની તળિયાની કિંમત ૭૨ કરોડથી વધુ થાય છે. તેવા વાણિજ્ય હેતુના પ્લોટની હરાજી સામે વિવાદ વકરવાના એંધાણ છે. આ પ્લોટમાં જયશ્રી હરી ઓમ હનુમાન દાદા નામથી વિશાળ મંદિર પરિસર હયાત છે. પરિણામે શ્રી રામભક્ત હનુમાનજીનું સ્થાનક જોખમમાં આવી જાય છે. મુળ તો અહીં ૭૦ વર્ષ પહેલા જમીન માલિક ખેડૂતે દેરી સ્થાપેલી હતી. પરંતુ કાળક્રમે મંદિરનો જિણોદ્ધાર થતો રહ્યાનાં પગલે પ્લોટનાં ઘણાં ભાગમાં મંદિર પરિસર ફેલાઇ ચૂક્યુ છે અને શનિવારે અહીં દર્શનાર્થે ૨ હજાર જેટલા ભાવિકોની અવર જવર રહે છે.
કંગાળ આથક સ્થિતિ તરફ ધકેલાઇ રહેલા ગાંધીનગર શહેરી વિકાસ સંતામંડળનો કમાઉ દિકરા સમાન વિસ્તાર મહાપાલિકામાં ભેળવી દેવાયા પછી હાથ પરની યોજનાઓ પાર પાડવા માટે તંત્ર પાસે ટીપી સ્કીમ બનાવવા દરમિયાન કપાતમાં મળેલી જમીનના પ્લોટ વેચવા સિવાય વિકલ્પ રહ્યો નથી. તેથી એક સાથે ૨.૬૨ અબજથી વધુ તળિયાની કિંમત ધરાવતા ચાર વાણિજ્ય અને ત્રણ રહેણાંક હેતુના પ્લોટ વેચવા નિર્ણય લેવાયો છે. તેમાં ટાઉન પ્લામિંગ સ્કીમ નંબર ૬નાં કુડાસણ વિસ્તારમાં આવેલા વાણિજ્ય હેતુનાં ૬,૫૭૭ ચોરસ મીટરના ફાયનલ પ્લોટ નંબર ૧૬૭નો સમાવેશ છે. તેમાં પ્રતિ ચોરસ મીટર જમીનની તળિયાની કિંમત રૃપિયા ૧.૧૦ લાખ નિયત કરવામાં આવી હોવાથી પ્લોટની તળિયાની કિંમત રૃપિયા ૭૨,૩૪,૭૦,૦૦૦ થવા જાય છે. આ પ્લોટની હરાજીમાં ભાગ લેવા માટે તારીખ ૧૬મી ડિસેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે. પરંતુ પ્લોટના બે રોડ સાઇડ પર પડતાં ખુણામાં જ હનુમાન દાદા બિરાજમાન હોવાથી હવે આગાળ ઉપર શું થશે તે જોવાનું રહેશે.
હરાજીમાં મુકતા પહેલાં પ્લોટને ખુલ્લા કબ્જે કરી દેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું
પ્લોટની હરાજીમાં ભાગ લેવા તળિયાની કિંમતના ૧૦ ટકા રકમ ભરવાનું ફરજિયાત છે. ત્યારે પ્લોટ ખરીદવા ઇચ્છનાર રૃપિયા ૭૨ લાખનું રોકાણ કરે અને ત્યાર બાદ મંદિરના મુદ્દે કોઇ ડખ્ખો ઉભો થાય તો રોકેલી પ્રાથમિક રકમ પણ ફસાવાની શક્યતા ચર્ચાનો વિષય બની છે. પ્લોટનાં મુદ્દે સ્થાનિક ડેવલપર્સ, બિલ્ડર્સમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે, કે પૌરાણિક મંદિર ખસેડવા કોઇ વ્યવસાયકાર તૈયાર થશે નહીં. આ ઉપરાંત એવી વાત પણ છે, કે સરકારી ઓથોરિટી દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવે ત્યારે ખુલ્લા કબ્જે જ જમીન આપવાની રહે છે. પરંતુ ગુડાના તંત્ર દ્વારા પ્લોટ હરાજીમાં મુકતા પહેલાં આવી કોઇ વ્યવસ્થા કરાઇ નથી.