China,તા.૨૫
ચીને કહ્યું કે બ્રિક્સ જૂથ હવે વધુ પ્રભાવશાળી બની રહ્યું છે. આ જૂથ હવે વૈશ્વિક દક્ષિણના વિકાસશીલ દેશો વચ્ચે એકતા અને સહકારને પ્રોત્સાહન આપવાનું મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે નવા સભ્ય દેશોના ઉમેરા સાથે આ જૂથ વધુ મજબૂત બન્યું છે. હવે બ્રિક્સનું પ્રતિનિધિત્વ પહેલા કરતા વધુ વધી ગયું છે અને આ જૂથ વિશ્વમાં તેની ભૂમિકા અને પ્રભાવ વધારી રહ્યું છે.
માઓએ કહ્યું કે બ્રિક્સના તમામ સભ્ય દેશો વચ્ચે ’નવા ભાગીદાર દેશોની યાદી’ પર સહમતિ બની છે. ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને યુગાન્ડા જેવા દેશો આ યાદીમાં સામેલ છે. બ્રિકસની શરૂઆત બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથે થઈ હતી. હવે ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ને પણ નવા સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો દેશ ખુલ્લા, સર્વસમાવેશક અને જીત-જીત સહકારના સિદ્ધાંત પર અન્ય બ્રિક્સ દેશો અને ભાગીદાર દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે.