દેશમાં અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ પરંતુ દાળ કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં આપણે હજી પણ દરીયાપારથી થતી આયાત પર આધાર રાખવો પડે છે. એવી સ્થિતિમાં ઘર આંગણે આ ચીજોનું ઉત્પાદન વધારવા સરકાર દ્વારા વિવિધ પગલાં છાશવારે જાહેર કરાતા થયા છે.
તાજેતરમાં સરકારે ઓઇલ મિશનની જાહેરાત કર્યા પછી હવે કઠોળ માટે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ તરફ સરકાર વળી રહ્યાના નિર્દેશો મળ્યા છે. કઠોળ ઉગાડતા તામિલનાડુ, બિહાર, ઝારખંડ, ગુજરાત વિ. રાજ્યોમાં ખેડૂતો સાથે સરકાર આવા કોન્ટ્રેક્ટ ફાર્મિંગના કરાર કરવા માંડી છે. પ્રથમ તબક્કે તુવેર તથા મસુર માટે આવા કરાર થયા છે તથા પ્રથમ તબક્કે આશરે ૧૫૦૦ હેક્ટર્સ જેટલી જમીન આવા કરાર હેઠળ આવરી લેવામાં આવી છે.
દિલ્હીથી મળેલા નિર્દશો મુજબ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા સરકારે એવા રાજ્યો પર નજર દોડાવી છે જ્યાં ખેડૂત વર્ગ કઠોળના વાવેતર માટે ઓછી પસંદગી ધરાવે છે તથા આવા રાજ્યોમાં ખેડૂતોને કઠોળ તરફ આકર્ષીત કરવા હવે સરકાર આગળ આવતી થઇ છે.
આવા કોન્ટ્રેક્ટ ફાર્મિંગના કરાર નેશનલ કો- ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એનસીસીએફ) તથા ખેડૂતો વચ્ચે શરૂ થયા છે તથા આ કરાર હેઠળ આવા રાજ્યોમાં ખેડૂતો પોતાની જમીન પર મસુર તથા તુવેરનું વાવેતર કરશે તથા આવું કઠોળ ત્યારબાદ એનસીસીએફ ખરીદી લેશે અને સરકાર પાસે આવા કઠોળનો બફર સ્ટોક ઉભો કરાશે એવું જાણવા મળ્યું છે.
આવા કઠોળની ખરીદી ટેકાના ભાવોએ અથવા તો બજાર ભાવોએ જે ભાવ ઉંચા હશે એ ભાવોમાં સરકાર દ્વારા કરવામાં આવશે એવું સૂત્રો જણાવી રહ્યા હતા.
આગળ ઉપર આવા કોન્ટ્રેક્ટ ફાર્મિંગનો વ્યાપ વધારવાની યોજના સરકાર ધરાવે છે. દેશમાં વરસાદની અનિયમિત ચાલના કારણે કઠોળના ઉત્પાદનમાં પીછેહઠ થતા બજારભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. આના પગલે આયાત વધારવા તથા સપ્લાય વધારવા સરકારે આયાત અંકુશો તાજેતરમાં હળવા પણ કરવા પડયા હતા. કઠોળના ભાવ ૨૦૨૩માં ૧૩થી ૧૪ ટકા વધ્યા હતા તથા આ વર્ષે પણ બજારભાવ ઉંચા જતા દેખાયા હતા.
દેશના કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૧-૨૨માં ઘર આંગણે કઠોળનું ઉત્પાદન ૨૭૩ લાખ ટન થયું હતું તે ત્યારબાદ ૨૦૨૨-૨૩માં ઘટી ૨૬૦ લાખ ટન તથા ૨૦૨૩-૨૪માં વધુ ઘટી ૨૪૫ લાખ ટન થયું છે. ઘર આંગણે ઉત્પાદન ઘટતા કઠોળના આયાત વધી છે. આવી આયાત વધી ૨૦૨૩-૨૪માં આશરે ૪૭ લાખ ટેન જેટલી થઇ છે. દેશમાં કઠોળનો વાર્ષિક વપરાશ આશરે ૨૭૦ લાખ ટનનો મનાય છે.
કોરોનાકાળ પછી લોકોમાં આરોગ્ય વિશે સભાનતા વધતા ઘર આંગણે કઠોળની માગ વધતી જોવા મળી છે. ભારતમાં કઠોળની આયાત વિશેષ રૂપે તુવેરની આયાત મોઝામ્બીક, તાન્ઝાનીયા, મલાવી, મયાનમાર વિ. ખાતેથી થાય છે જ્યારે મસૂરની આયાત મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, કેનાડા, તથા રશિયા અને તુર્કીથી કરવામાં આવે છે. રશિયામાં હવે અડદ તથા તુવેરનું ઉત્પાદન વધતા આવા કઠોળ ભારતને વેંચવા રસિયાએ આતુરતા બતાવી છે.
આ પ્રશ્ને રશિયાનું પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ભારત આવ્યુ હતું. આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીના ગાળામાં તુવેરની આયાત આશરે ૧૦ લાખ ટન તથા અડદની આયાત આશરે ૬ લાખ ૪૦ હજાર ટન થઇ ગઇ છે જે પાછલા ૨૦૨૩ના આખા વર્ષમાં થયેલી આવી આયાતા કરતાં વધુ થઇ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલીયાથી ચણાની આયાત તાજેતરમાં વધી છે. રવિ મોસમ માટેના વાવેતરમાં પ્રથમ તબક્કે ચણા, મસૂર, અડદ, મગ વિ.ના વાવેતરમાં પ્રતિકૂળ હવામાનના કારણે વિલંબ થયા પછી હવેે વાવેતરમાં ગતી આવ્યાના નિર્દેશો મળ્યા હતા.