Ahmedabad,તા.20
રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને જાહેર જનતાના પ્રચંડ વિરોધને ધ્યાનમાં લેતા ગુજરાત સરકાર જંત્રીના દરોમાં આગામી ત્રણ વર્ષ સુધી સમયાંતરે વધારો કરવાની દરખાસ્ત રજૂ કરવા વિચારી રહી છે. આમ તો જંત્રીના નવા દરો જાહેર થઈ ચૂક્યા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તો 100 ટકા કરતા પણ વધુ વધારો કરાયો છે.
આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર મહારાષ્ટ્રની જેમ આગામી ત્રણ વર્ષ માટે પ્રત્યેક વર્ષે જંત્રીના દરોમાં 25 ટકાનો વધારો કરવા વિચારી રહી છે. રાજ્ય સરકારે સત્તાવાર રીતે ગત 20 નવેમ્બરના રોજ જંત્રીના દરો જાહેર કર્યા હતા. સરકારે આ દરોને જાહેર જનતા માટે પબ્લિક ડોમેઈનમાં મૂક્યા હતા અને તમામ સંબંધિત પક્ષકારો પાસેથી તેને લગતા વાંધા-વિરોધ અને સૂચનો પણ મંગાવ્યા હતા.
આ દરો સામે વાંધો-વિરોધ નોંધાવવા માટે આરંભમાં એક મહિનાની મુદત આપવામાં આવી હતી, પરંતુ સંબંધિત પક્ષકારોએ સૂચનો આપવા માટે મુદતમાં વધારો કરવાની માંગ કરતા આ મુદત વધારીને 20 જાન્યુઆરી સુધીની કરી દેવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન સરકારને ઘણી બધી ફરિયાદો મળી હતી. જેમાં પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો હતો કે જાહેર કરાયેલા જંત્રીના દરો તદ્દન ગેરવાજબી અને બિન-તાર્કિક છે અને તેમાં આડેધડ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા ક્રેડાઇ પણ નવા જંત્રીના દરો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને માંગ કરી હતી કે સૂચનો અને વાંધા-વિરોધ નોંધાવવા માટેની મુદત વધારીને 31 માર્ચ સુધીની કરાય.
ક્રેડાઇએ કહ્યું હતું કે, રાજ્યમાં 40,000 જેટલા વેલ્યૂ ઝોન આવેલા છે અને તેનો અભ્યાસ હાથ ધરવાનો હવે સમય પાકી ગયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો ડેવલપર્સને તો અસર કરશે જ પરંતુ તેનાથી ખેડૂતોને પણ મોટુ નુકસાન થઈ શકે છે. જાહેર કરાયેલા દરોના માળખાનો એકવાર વિગતવાર અભ્યાસ પૂર્ણ થાય ત્યારબાદ તેની રજૂઆત કરવા માટે પણ વધુ સમયની જરૂર પડશે.
ગુજરાતમાં સરકારે જાહેર કરેલા નવા સુચિત જંત્રીદર વધારા સામે રાજયવ્યાપી વિરોધ વંટોળ ઉઠયો જ છે અને વાંધા સુચનોના ઢગલા થયા છે. રાજય સરકાર સમક્ષ અત્યાર સુધીમાં 5302 વાંધા રજુ થયા છે તેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
સુત્રોના કહેવા પ્રમાણે વાંધા સુચનો મંગાવવાની મહેતલ 20 જાન્યુઆરી 2025 ની કરી દેવામાં આવી છે. તેમાં કોઈ વધારો કરવામાં નહી આવે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવેલા 5302 વાંધા સુચનોની સમીક્ષા કરી હતી અને તેની સ્થાનિક તંત્ર સાથે ચકાસણી કરવા સુચના આપી હતી. ઓફલાઈન વાંધા માટે છેલ્લા એકાદ સપ્તાહથી જ છુટ મળી હતી.
એટલે તે સંખ્યા માત્ર 400 ની જ હતી. આવતા દિવસોમાં તેમાં મોટો વધારો થવાનું માનવામાં આવી રહ્યું છે. સુત્રોએ કહ્યું કે વાંધા સુચનોની ચકાસણીમાં જ લાંબો સમય લાગી શકે છે અને ત્યારબાદ જ જંત્રીદર લાગુ કરવાનો નિર્ણય થશે.આજે તમામ કલેકટર જીલ્લા વિકાસ અધિકારીઓની બેઠક છે તેમાં પણ જંત્રી મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.