Gondal તા.18
જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના ગુનામાં બે આરોપીનો નિર્દોષ છુટકારો થવા પામેલ છે. આ અંગેની વિગતો એવી છે કે ફરિયાદીના ભાણેજને આરોપી શક્તિસિંહ નોંધુભા જાડેજા તથા અજયસિંહ ઉર્ફે રાજપાલસિંહ અરવિંદસિંહ જાડેજાએ મેટોડા પાટિયા પાસે બાઈક સાથે અટકાવી બાઈકની લોન બજાજ ફાયનાન્સમાં ચાલુ હોય તે ભરી દેવા કહ્યું હતું.
જેથી ફરિયાદી ત્યાં પહોંચતા આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરેલ અને બાઈકમાં બેસાડી રાજકોટના ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્કીંગ યાર્ડ નામના ડેલામાં લઈ જઈ બાઈક ત્યાં મુકીને જવાનું કહ્યું હતું. આરોપીઓએ લોનનો કોઈ મેમો આપ્યો નહોતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધતા ફરિયાદીએ ગોંડલ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા પોલીસે આરોપીઓની અટકાયત કરી જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો.
આ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલું હતું. ત્યારબાદ આરોપીઓ સામે કોર્ટ દ્વારા ચાર્જફેમ કરી કેસ ચલાવવામાં આવ્યો હતો. પ્રોસીકયુશન દ્વારા સાહેદોને તપાસવામાં આવ્યા હતા. પ્રોસીકયુશનના સાહેદોની ઝીણવટભરી ઉલટ તપાસ બચાવપક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલ હતી.
તેમજ કેસમાં આરોપીઓ સામે પ્રથમ દર્શનીય પુરાવો કયાંય રેકર્ડ ઉપર નથી તેમજ વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજુઆત કરેલી અને વિવિધ મુદા ઉપર દલીલો કરવામાં આવી હતી તેથી બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ આરોપીઓ શક્તિસિંહ નોંધુભા જાડેજા તથા અજયસિંહ ઉર્ફે રાજપાલસિંહ અરવિંદસિંહ જાડેજાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા તેમજ એમ.કે.ચનિયારા રોકાયેલા હતા.