Mumbai,તા,27
દેશમાં કંપનીઓના કામકાજમાં જનએઆઈના વપરાશમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ટેકસને લગતા કામકાજમાં પણ જનએઆઈનો ઉપયોગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. દેશના ૯૨ ટકા વેરા નિષ્ણાતો જનએઆઈ વેરાને લગતા કામકાજમાં પરિવર્તન લાવવાની તથા વેરા કામકાજને ઝડપી બનાવવાની જોરદાર ક્ષમતા ધરાવતું હોવાનું માની રહ્યા હોવાનું એક સર્વેમાં જણાયું હતું. જો કે નવી ટેકનોલોજીની મર્યાદિત સમજ તથા સ્કીલ્ડ ટેલેન્ટનો અભાવ પડકારરૂપ બની રહ્યા છે.
૨૦૨૩માં ૨૦ ટકા વેરા નિષ્ણાતો આવો મત ધરાવતા હતા જેમાં હવે જોરદાર વધારો થયો છે. ભારતમાં નામાંકીત કંપનીઓ સાથે જોડાયેલા ૭૦ જેટલા ચીફ ફાઈનાન્સિઅલ ઓફિસરોએ જનએઆઈને કારણે વેરાને લગતા કામકાજ ઝડપથી થવાનો મત ધરાવે છે.
દેશના વેરા નિષ્ણાતો જેઓ જનએઆઈની સ્વિકૃતિ તરફ આગળ વધી રહ્યા છે તેમાંથી ૧૫ ટકા સક્રિય રીતે સ્ટ્રેટેજિસ વિકસાવી રહ્યા છે અને પ્રાયોગિક પ્રોજેકટસ હાથ ધરી રહ્યા હોવાનું સર્વમાં નોંધાયું હતું.
૪૫ ટકા સીએફઓ તેમના કામકાજમાં જનએઆઈ કેટલું ઉપયોગી થઈ શકે એમ છે તેનો અંદાજ મેળવી રહ્યા છે, જે ઊભરતી ટેકનોલોજીને સ્વીકારવામાં ભારત હકારાત્મક અભિગમ ધરાવતુ હોવાનું સૂચવે છે. જો કે સર્વેમાં ભાગ લેનારામાંથી ૪૫ ટકા વેરા નિષ્ણાતોએ સ્કીલ્ડ ટેલેન્ટનો અભાવ તથા જનએઆઈની ક્ષમતાની મર્યાદિત સમજ તેના ઉપયોગ સામે પડકાર બની રહ્યા હોવાનું જણાવ્યું હતું.
કામકાજની પદ્ધતિમાં બદલાવ લાવવા જનએઆઈ દેશના વેરા વ્યવસાયીકો માટે અસરકારક ટુલ હોવાનું એક વેરા નિષ્ણાતે મત વ્યકત કર્યો હતો. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનને કારણે સપ્તાહમાં માત્ર સાડાત્રણ દિવસ કામ કરવાનું શકય બનશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. એઆઈના અમલીકરણથી ભાવિ કર્મચારીબળને કામકાજના ઓછા કલાકનો લાભ મળી રહેશે એમ એક અહેવાલમાં જેપી મોર્ગન ચેસના સીઈઓ જેમી ડીમોનને ટાંકીને જણાવાયું હતું.
એઆઈને કારણે વ્યાપક રોજગાર અદ્રષ્ય થઈ જશે તેવી ધારણાંઓ છતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી વેપાર કામકાજ ઝડપી બનાવશે અને કર્મચારીઓની કામકાજ અને વ્યક્તિગત જીવનની સમતુલાને સુધારશે.
હાલના ૬૦થી ૭૦ ટકા કામને એઆઈ મારફત ઓટોમેટિક કરી શકાશે જેને પરિણામે કર્મચારીઓએ સપ્તાહમાં માત્ર સાડાત્રણ કલાક જ કામ કરવાનું આવશે અને કામકાજના કલાકોમાં જોરદાર ઘટાડો થશે એવી તેમણે ધારણાં મૂકી હોવાનું સદર અહેવાલમાં જણાવાયું હતું.