Rajkot, તા. 17
મકરસંક્રાંતિ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો જાણે નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ ટાઢોડુ છવાયેલુ રહ્યું છે. ગઇકાલે અમરેલી, રાજકોટમાં ઠંડીએ સપાટો બોલાવ્યા બાદ આજે ન્યુનતમ તાપમાનનો પારો થોડો ઉપર આવ્યો છે, પરંતુ સુુસવાટા મારતા ઠંડા પવનોના કારણે સવારથી મોટા ભાગના શહેરોમાં ઠંડીનો જોરદાર અનુભવ થઇ રહ્યો છે.
આજે રાજકોટ સહિતના શહેરોમાં તાપમાન બે આંકડામાં હતું, પરંતુ રસ્તા પર વિદ્યાર્થીઓથી માંડી નાગરિકો ગરમ કપડામાં વિંટળાયેલા જોવા મળ્યા હતા. તો ગીરનાર પર્વત પર સહેલાણીઓ ધ્રુજયા હતા.
આજે સમગ્ર રાજયમાં સૌથી ઠંડુ શહેર ફરી 6 ડિગ્રી સાથે નલીયા રહ્યું હતું, ગીરનાર પર 6.3 ડિગ્રી તાપમાન હોવાથી પર્વત ઠંડોગાર બની ગયો હતો. આ સિવાય આજે અમરેલીમાં 13.8, ભાવનગરમાં 16.15, જામનગરમાં 13, ભુજમાં 11.4, કંડલામાં 13.7, પોરબંદરમાં 14, રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં પણ 13.7, ડિસામાં 10.7, વડોદરામાં 15.8 અને સુરતમાં 18.8 ડિગ્રી પર પારો સ્થિર થયો હતો.
જુનાગઢ
મકરસંક્રાંતિથી ઠંડીનો માહોલ જુનાગઢ અને જીલ્લામાં જોવા મળી રહ્યો છે. ઠંડીનો પારો ગઇકાલ માફક આજે પણ નીચે જવા પામ્યો છે. ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર 6.3 ડિગ્રીએ નીચે ઉતરી જતા પ્રવાસીઓ ઠુંઠવાય જવા પામ્યા છે. પવનની ગતિ વધી જતા હાડ ગાળી નાખે તેવો ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે.
વહેલી સવારે અને રાત્રીના ઠંડીનો પારો ગગડીને 11.3 ડિગ્રી અને મહતમ પારો 13.2 ડિગ્રીએ નોંધાયો છે. ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 10.3 કિ.મી.ની ગતિએ હીમ ભર્યો ફુંકાઇ રહ્યો છે. જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે.
ભાવનગર
ભાવનગરમાં લઘુતમ તાપમાન 3 ડીગ્રી ઊંચકાયું હોવા છતાં ઠંડો પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતા યથાવત રહેવા પામી છે. ગોહિલવાડ પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઊંચકાયું છે. આજે ભાવનગર છે એનું લઘુતમ તાપમાન વધીને 16.5 ડિગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% રહ્યું હતું અને પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોય ઠંડીનું મોજુ યથાવત રહેવા પામ્યું છે.
જામનગર
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમમાં આંશિક ઘટાડો નોંધાતા તાપમાન નો પારો 13 ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. જો કે પવનની ગતિમાં 6 કિમિ વધારો થતાં સુસવાટા મારતા પવનથી શિત લહેર છવાઈ જતા શહેરીજનો ઠડીમાં ઠુઠવાયા હતા.
આ સાથે તાપમાનમાં થયેલા ઘટાડા વચ્ચે ખાસ કરીને રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. આજે લઘુતમ તાપમાન આંશિક ઘટીને13 ડીગ્રી, જ્યારે સતત બીજા દિવસે મહત્તમ તાપમાન 25 ડીગ્રી નોંધાયું હતું.
શહેરના વાતાવરણમાં ભેજનુ 9 ટકા ઘટાડા સાથે 61 ટકા રહ્યું હતું. પવનની ગતિમાં 6 કિમીના વધારા સાથે પ્રતિકલાકની સરેરાશ 9.3 કિ.મી.ની રહેવા પામી છે.