જિલ્લા બહાર બદલી પામેલ 13 કર્મચારીઓ પાસેથી મિલ્કત સંબંધી વિગતો મંગાવાઈ
Rajkot,તા.17
પોલીસની છબી બગાડનાર અધિકારી-કર્મચારીઓ વિરુદ્ધ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સજાના ભાગરૂપે પોલીસ અધિકારી-કર્મચારીઓની બદલી, બદમાશ પોલીસ સામે ફરિયાદ તેમજ સસ્પેન્શનનું હથિયાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય છૂટથી ઉગામી રહ્યાં છે. ગુજરાત પોલીસ બેડામાં બેફામ બનેલા બદમાશ અધિકારી-કર્મચારીઓની શાન ઠેકાણે લાવવા ડીજીપીને એકશન લીધા વિના છૂટકો નથી. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવતા વિકાસ સહાયે જિલ્લા બદલી કરાયેલા અમદાવાદના 13 પોલીસ કર્મચારીઓ પૈકી 4ને સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લીધો છે. ડીજીપી સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી. આ તપાસમાં બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી ચારની મોટી પોલ પકડાઈ ગઈ હતી. જેના પગલે વિકાસ સહાયે હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી), મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
અમદાવાદમાંથી એક સાથે 13 પોલીસ કર્મચારીઓની ગત નવેમ્બરમાં જિલ્લા ટ્રાન્સફર કરાતા મામલો હાઇકોર્ટમાં ગયો હતો. વિકાસ સહાયે આ મામલે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી જિલ્લા બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓની મિલકતની માહિતી મેળવવા આદેશ કર્યો હતો. નિર્લિપ્ત રાયએ 13 પોલીસ કર્મચારીઓ પાસે માહિતી માગી હતી.