Melbourne તા.26
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આજથી શરૂ થયેલા ચોથા ટેસ્ટ મેચનાં પ્રારંભે જ વિવાદ થયો હતો.ઓસ્ટ્રેલીયા વતી ટેસ્ટ ડેબ્યુ કરનારા કોન્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે ટકરાવ થયો હતો.ઉપરાંત સિરાજ સાથે પણ જીભાજોડી થઈ હતી. આ મામલે હવે આઈસીસીએ તપાસમાં ઝુકાવ્યુ છે. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો છે.
બોકસીંગ કે ટેસ્ટમાં ડેબ્યુ કરનાર સેમ કોંસ્ટાએ આકર્ષક ફટકાબાજી કરી હતી. બુમરાહ તથા સિરાજની બોલીંગમાં પણ ફટકાબાજી કરીને અર્ધી સદી કરી હતી. દરમ્યાન કોહલી તથા સિરાજ સાથે શાબ્દીક ટપાટપી અને દલીલ થઈ હતી. ઉપરાંત કોહલી સાથે ખભ્ભા ટકરાવીને ધકકામુકકી પણ થઈ હતી.
સૌ પ્રથમ કોસ્ટાંસ સિરાજનાં બોલમાં બીટ થયો હતો ત્યારે સિરાજે કાંઈક બોલીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે બન્ને વચ્ચે આંખોની ટકકર થઈ હતી. આ તકે તેણે સિરાજને કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યારબાદ તેણે બુમરાહની બે ઓવરમાં 14 અને 18 રન ઝુડી નાખ્યા હતા.
આ પછી ઈનીંગની 11 મી ઓવરમાં કોંસ્ટાસે બુમરાહને ઝૂડયો હતો અને બે ચોકકા તથા એક છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રીજા દડે કોહલી નોન-સ્ટ્રાઈકર એન્ડથી પાછો આવી રહ્યો હતો ત્યારે કોંસ્ટાસ ક્રિઝથી આગળ આવી રહ્યો હતો ત્યારે બન્નેનાં ખભ્ભા ભટકાવા સાથે ટકરાવ થયો હતો.
કોંસ્ટાસે પાછુ જોઈને કોહલીને કાંઈ કહ્યું હતું અને કોહલીએ સામે જવાબ દીધો હતો બન્ને વચ્ચેની ‘તું તું મૈં મૈં’નો વિડીયો વાયરલ થયો છે. અમ્પાયરે દરમ્યાનગીરી કરીને બન્નેને અલગ કરીને શાંત કર્યો હતો. આ ઘટનામાં કોનો વાંક હતો તે સ્પષ્ટ નથી. પરંતુ આ ઘટના આઈસીસીની નજરે ચડી ગઈ છે અને તપાસમાં ઝંપલાવ્યુ છે.
કોંસ્ટાસે કોહલી સાથેનાં ટકરાવ વિશે શું કહ્યું
ડ્રીકસ બ્રેક દરમ્યાન સમગ્ર ઘટનાક્રમ વિશે કોંસ્ટાસને પ્રશ્ન પૂછાતા તેણે કહ્યું હતું કે, મેદાન પર જે બને છે તે મેદાન પર જ રહી જાય છે. પરંતુ આ ટકરાવથી મજા આવી હતી. જોકે વિવાદ જેવું કાંઈ ન હોવાનો તેનો આડકતરો ઈશારો હતો.
ભારત-ખાલીસ્તાની સમર્થકો વચ્ચે ઘર્ષણ: ઝંડા ફરકાવ્યા-નારેબાજી: ઝપાઝપીથી તનાવ
મેલબોર્નમાં આજથી શરૂ થયેલા બોકસીંગ ડે ટેસ્ટમાં મેદાનની અંદર કોહલી-કોંસ્ટાસ વચ્ચે ટકરાવ થયો હતો તો બીજી તરફ મેદાનની બહાર પણ ભારત અને ખાલીસ્તાની સમર્થકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ તેના પગલે ગંભીર તનાવ સર્જાયો હતો.
ટેસ્ટ મેચ શરૂ થતા પુર્વે જ એકાદ ડઝન ખાલીસ્તાની સમર્થકો ખાલીસ્તાની ઝંડા સાથે ત્રાટકયા હતા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા જેનો ભારતીયોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભારતીયોએ ‘ભારત ઝીંદાબાદ’ના નારા શરૂ કરી દીધા હતા. સામસામી નારેબાજી થઈ હતી. આ ઘર્ષણનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો છે.
ભારત-ખાલીસ્તાની સમર્થકોની નારેબાજી-ઝંડા ફરકાવવાની સાથોસાથ ઝપાઝપી થયાનુ પણ વાઈરલ વિડીયોમાં જોવા મળી રહ્યુ છે. આ ઘટનાને પગલે વિકટોરીયા પોલીસ પહોંચી ગઈ હતી અને ભારતીય-ખાલીસ્તાની સમર્થકોને હટાવ્યા હતા.
એમ કહેવામાં આવી રહ્યું છે કે ખાલીસ્તાની સમર્થકો પાસે મેચની ટિકીટ પણ ન હતી. માત્ર હંગામો સર્જવા જ પહોંચ્યા હતા. પોલીસે મામલો થાળે પાડયો હતો.