ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા લોકસેવકો સાથે શાસન વ્યવસ્થાને બહેતર બનાવવા પર ચર્ચા કરી. તેમણે મજબૂત ફીડબેક અને લોક ફરિયાદ નિવારણની પદ્ઘતિમાં સુધારની જરૂરિયાત વ્યક્ત કરી. તેમણે યુવા લોકસેવકો પાસેથી જનતાના જીવનને સુગમ બનાવવાનો આગ્રહ કર્યો. ભારતમાં શાસન ચલાવવા માટે અધિકારીઓનો મોટો વર્ગ છે. સરકાર સંચાલન માટે વ્યવસાયિક રૂપે દક્ષ પ્રશાસનિક તંત્રની જરૂર પડે છે. બંધારણ નિર્માતા નિષ્પક્ષ અધિકારીઓનું તંત્ર ઇચ્છતા હતા. બંધારણના અનુચ્છેદ ૩૧૧માં પ્રશાસનિક તંત્રના અધિકાર અને સુરક્ષા કવચ વર્ણિત છે. વિશ્વના કોઇપણ લોકતાંત્રિક દેશમાં સરકારી અધિકારીઓને ભારત જેવું કાનૂની સંરક્ષણ નથી. તેમ છતાં તેનાં પ્રશાસનિક તંત્ર જન અપેક્ષાઓથી દૂર છે. આમ જનતામાં પ્રશાસનિક તંત્ર પ્રત્યે સારી ધારણા નથી. તાત્કાલિક થઈ જનારું નાનકડું કામ પણ તેઓ સમય પર નથી કરતા. અધિકારી જન અપેક્ષાઓની ઉપેક્ષા કરે છે. પ્રશાસનિક તંત્રનું વલણ ચિંતાજનક છે.
ભારતની પ્રશાસનિક વ્યવસ્થા બ્રિટિશ શાસનની ઉધારી છે. મોરિસ જોન્સે લખ્યું હતું, ‘સત્તા હસ્તાંતરણની સાથે અંગ્રેજ ચાલ્યા ગયા, પરંતુ પ્રશાસન તંત્રનો આકાર, કાર્યની ઢબ બધું જ જેમનું તેમ રહ્યું.’ બંધારણ સભામાં બ્રિટિશ સંસ્કારોવાળા પ્રશાસનિક તંત્રની ટીકા થઈ. જોકે સરદાર પટેલે સભામાં પ્રશાસનની પ્રશંસા કરી. કહ્યું કે ‘મેં આ કઠિન સમયમાં તેમની સાથે કામ કર્યું છે. તેમને હટાવી દેવાશે તો અરાજકતા વધશે.’ અંગ્રેજી રાજ પ્રસાશનનો એકમ જિલ્લો હતો. ત્યારના જિલ્લાધિકારી શ્રેષ્ઠતા ગ્રંથિના શિકાર હતા. તેઓ રાજા હતા અને ભારતના લોકો પ્રજા. સ્વતંત્રતા બાદ લોક કલ્યાણ અને કાયદાા શાસનની સ્થાપના પર દેશ આગળ વધ્યો, પરંતુ અધિકારીઓની જનતાથી દૂરી વધતી ગઈ. માનવામાં આવે છે કે સિવિલ સેવાઓમાં પ્રતિભાશાળી લોકો આવે છે. તમામ અધિકારીઓ પરિણામ આપવાની કોશશ કરે છે, પરંતુ ગરીબો, વંચિતો અને પીડિતો પ્રત્યે તેમનામાં સંવેદનશીલતા દુર્લભ છે.
પ્રશાસનિક તંત્ર માટે કામ પૂરું ન થવાનાં કારણો ગણાવવાં આસાન છે. તેથી પ્રશાસનિક સુધારની પ્રક્રિયા પ્રત્યેક સમયે અનિવાર્ય રહે છે. બ્રિટિશ સત્તામાં પણ પ્રશાસનિક સુધારા માટે પંચ બનાવવામાં આવ્યાં હતાં. ૧૯૧૮માં મોન્ટેગ્યૂ ચેમ્સફર્ડ રિપોર્ટ આવ્યો હતો. ૧૯૪૮માં કસ્તૂરભાઈ લાલભાઈના નેતૃત્વમાં મિતવ્યયિતા સમિતિ બની હતી અને ૧૯૪૯માં આયંગર સમિતિ. ૧૯૫૧માં ગોરેવાલા સમિતિએ કેટલાય વિષયો પર રિપોર્ટ આપ્યો. અમેરિકી લોક પ્રશાસન વિશેષજ્ઞ એપ્પલેબીએ ૧૯૫૩માં ભારતના લોક પ્રશાસન સર્વેક્ષણ પર રિપોર્ટ રજૂ કર્યો હતો. ભ્રષ્ટાચાર જૂનો રોગ છે. દેશમાં ૧૯૪૮માં જીપ ખરીદી કૌભાંડ ચર્ચાનો વિષય હતો. ૧૯૫૭ના મુંદણા કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી પણ સામેલ જોવા મળ્યા. તત્કાલીન ગૃહમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ સંપૂર્ણ તંત્રની સમીક્ષા અને સૂચનો માટે કે.સંથાનમની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી. ૧૯૬૪માં સતર્કતા આયોગની રચના થઈ. ૧૯૬૬માં મોરારજી દેસાઇના નેતૃત્વમાં પ્રશાસનિક સુધાર આયોગ બન્યું. આ દરમ્યાન તેઓ મંત્રી બની ગયા. પછી કે.હનુમંતૈયાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આયોગે પોતાના પહેલા રિપોર્ટ ૧૯૬૬ તથા બીજા ૧૯૭૦માં આપ્યો. ૨૦૦૫માં વીરપ્પા મોઇલીની અધ્યક્ષતામાં બીજું પ્રશાસનિક સુધાર આયોગ બન્યું. તેમનો રિપોર્ટ પણ પરિણામવિહીન રહ્યો.
બંધારણની પ્રસ્તાવના અને નીતિ નિર્દેશક તત્ત્વ સરકાર અને પ્રશાસન તંત્રના માર્ગદર્શક છે. પ્રશાસનિક તંત્રથી ઉચ્ચ સ્તરની વ્યાવસાયિક યોગ્યતાની અપેક્ષા છે. વડાપ્રધાનનો આગ્રહ યોગ્ય અને વિચારણીયછે. બંધારણમાં કાર્યપાલિકા નીતિ નિયંતા છે. સરકાર ધારાસભા પ્રત્યે જવાબદાર છે. પ્રશાસનિક તંત્રની સીધી જવાબદારી નથી. તેનો દબદબો ચિંતાજનક છે. ચૂંટાયેલ જનપ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચે તણાવ રહે છે. કેન્દ્રએ ધારાસભ્યો-સાંસદોને સન્માન આપવા અને પત્રોત્તર આપવાનો શાસનાદેશ પાછલી સદીના સાતમા દાયકામાં જારી કર્યો હતો. રાજ્ય સરકારો દ્વારા પણ આ વિષય વારંવાર દોહરાવવામાં આવે છે, પરંતુ પ્રશાસનિક તંત્ર તેને મહત્ત્વ નથી આપતું. કેટલાક અધિકારી કહે છે કે તેઓ સ્થાયી કાર્યપાલિકા છે. વિધાયિકા અને સરકારનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. બેશક અધિકારીઓનો એક વર્ગ કર્તવ્યપાલક છે, પરંતુ પોલીસનો વ્યવહાર સારો નથી. તેઓ સાધારણ વાતચીતમાં પણ યોગ્ય વ્યવહાર નથી કરતા. પ્રસાસનિક અધિકારીઓએ પોતાના આચાર અને વ્યવહારને જન અપેક્ષાને અનુરૂપ ઢાળવા જોઇએ.