વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસ અને આયુર્વેદ દિવસના અવસર પર ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વૃદ્ઘ નાગરિકો માટે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનાનો વિસ્તાર કરીને જનકલ્યાણની દિશામાં વધુ એક મોટી પહેલ કરી. આ યોજનામાં આ જે વિસ્તાર કરવામાં આવ્યો, તેમાં ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ બુઝુર્ગો આવશે, ભલે તેમની આવક ગમે તેટલી હોય. એનાથી કરોડો બુઝુર્ગો લાભાન્વિત થશે. તેમને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. જે વરિષ્ઠ નાગરિક પહેલેથી જ આયુષ્માન ભારત યોજનાના દાયરામાં છે, તેમને પાંચ લાખ રૂપિયાનો વધારાનો લાભ મળશે. આ એક મોટી રાહત છે, કારણ કે બુઝુર્ગોને સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે વધારે ઝઝૂમવું પડે છે અને એક મોટી સંખ્યામાં એવા બુઝુર્ગો છે, જેમને નાણાંના અભાવનો સામનો કરવો પડે છે. આયુષ્માન ભારત યોજનાની ઉપયોગિતા પહેલાં જ સિદ્ઘ થઈ ચૂકી છે. આ યોજનાથી ઓછી આવકવાળા કરોડો લોકો લાભાન્વિત થઈ રહ્યા છે. તેમ છતાં દિલ્હી અને બંગાળ સરકારે રાજકીય ડંખ રાખીને આ યોજના પોતાને ત્યાં લાગુ ન કરી. એના પર વડાપ્રધાને ખેદ જ વ્યક્ત ન કર્યો, બલ્કે આ બંને રાજ્યોના બુઝુર્ગોની માફી પણ માગી. તેમણે એમ કહેવામાં પણ સંકોચ ન કર્યો કે રાજકીય કારણોસર દિલ્હી અને બંગાળ આ યોજનાને લાગુ નથી કરી રહ્યા.
દિલ્હી અને બંગાળ સરકારનો દાવો છે કે તેમની પોતાની સ્વાસ્થ્ય યોજનાઓ આના કરતાં વધારે સારી છે. એક તો આ દાવાને પડકાર અપાતો રહ્યો છે અને બીજું, જો એમ માની લેવામાં પણ આવે કે આ રાજ્યોની સ્વાસ્થ્ય વીમા યોજનાઓ પ્રભાવી છે તો તે આયુષ્માન ભારત યોજનાનો પણ લાભ ઉઠાવવાનો કેમ ઇનકાર કરી રહી છે? તેઓ આ યોજનામાં સામેલ થઈને પોતાની સ્વાસ્થ્ય યોજનાના લાભનો વ્યાપ અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકે છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાયક લોકોના ઉપચારની ૬૦ ટકા રકમ કેન્દ્ર સરકાર વહન કરે છે અને ૪૦ ટકા રાજ્ય સરકારો. આ એક મુશ્કેલી છે કે એક તરફ રાજ્ય સરકારો અને વિશેષ રૂપે બંગાળ સરકાર નાણાંની અછતનાં રોદણાં રડતી રહે છે અને બીજી તરફ એક એવી યોજનાને અપનાવવાનો ઇનકાર કરતી રહીછે, જે તેના આર્થિક બોજને ઓછો કરી શકે છે કે પછી તેને પોતાની સ્વાસ્થ્ય સવિધાઓ અન્ય લોકો સુધી પહોંચાડવામાં મદદગાર બની શકે છે. દિલ્હી સરકારના નેતાઓનું માનીએ તો તેઓ આ યોજનાને એટલા માટે અપનાવી નથી રહ્યા, કારણ કે તેમાં બહુ ખામીઓ છે. એક નેતાએ તો તેને કૌભાંડ સુદ્ઘાં ગણાવી દીધું! જો એવું જ હોય તો પછી તેના જ પક્ષની પંજાબ સરકાર આ કથિત કૌભાંડમાં કેમ સામેલ થઈ છે? એ દુર્ભાગ્યપૂર્ણ છે કે એી કેટલીય કેન્દ્રીય યોજનાઓ છે, જેને કેટલીય રાજ્ય સરકારો રાજકીય કારણોસર પોતાને ત્યાં લાગુ નથી કરી રહી. આ જનકલ્યાણ અને વિકાસથી વધુ મહત્ત્વ રાજકીય સ્વાર્થને આપનારી માનસિકતાનું જ દુષ્પરિણામ છે. રાજ્યોએ તેનાથી બચવું જોઇએ.