Surat,તા.30
સુરત પાલિકાની શુક્રવારની સામાન્ય સભામાં ભાજપના એક કોર્પોરેટરે પાલિકાના અનામત પ્લોટ પર દબાણ અંગેની ફરિયાદ કરી હતી જોકે, આ ફરિયાદમાં ભાજપના કોર્પોરેટરે જાણ્યે અજાણ્યે ભાજપની નબળી કામગીરી છતી કરી હતી. ભાજપના કોર્પોરેટરે સામાન્ય સભામાં ફરિયાદ કરી હતી કે આંજણા વિસ્તારમાં પાલિકાનો અનામત પ્લોટ છે તેના પર 1995થી ગેરકાયદે કબ્જો છે અને 250થી વધુ ઝુંપડા અને કાચા પાકા મકાન છે તે દૂર કરવાની કામગીરી હજુ કરવામાં આવી નથી આ કામગીરી પોલીસની મદદ લઈ તાકીદે કરવી જોઈએ તેવી માંગણી કરી હતી.
સુરત મહાનગરપાલિકામાં 1995થી સતત ભાજપનું શાસન ચાલ્યું આવે છે અને આ ભાજપના શાસનમાં રાજ માર્ગ જેવા વિસ્તારના રોડ પહોળા કરવા માટે ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આ વાત પણ પાલિકાની સામાન્ય સભામાં કરવામાં હતી અને તેની સાથે ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલે કહ્યું હતું કે સુરત પાલિકાના વોર્ડ નંબર 19માં ટીપી સ્કીમ નંબર 7 માં ફાઈનલ પ્લોટ નંબર 181 પાલિકાનો અનામત પ્લોટ છે અને આ પ્લોટ લોકોના હિત માટેના પ્રોજેક્ટ માટે અનામત રાખવામાં આવ્યો છે. પરંતુ આ પ્લોટ પર 1995થી અત્યાર સુધી દબાણ છે તે દુર કરવામા આવતા નથી.
તેઓએ કહ્યું હતું કે, શહેરની મધ્યમાં આવેલા આ પ્લોટ પર 250થી વધુ ઝુંપડા અને કાચા પાકા બાંધકામ કરવામાં આવ્યા છે. આ પ્લોટ અનામત હોવાથી ખાલી કરવા માટે નોટિસ પણ આપવામા આવી છે પરંતુ આ દબાણ હજી પણ દુર કરવામાં આવ્યા નથી. 1995થી દબાણ છે અને મોકાની જગ્યા છે તથા પ્રજાના હિત માટે પ્રોજેક્ટ આવે તે માટે અનામત રાખવામાં આવેલી જગ્યાના દબાણ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જોકે, 1995થી સુરત પાલિકામાં ભાજપના એક હથ્થુ સાશન છે અને આ સમય દરમિયાન જ દબાણ થયા છે જેટલા વર્ષ સુરત પાલિકામાં ભાજપના શાસનના થયા તેટલા વર્ષથી જ આ દબાણ છે તેવું કહીને આ દબાણ દુર કરવામાં ભાજપ શાસકો નબળા હોવાનું પણ કહેવાઈ ગયું છે. હવે ભાજપના શાસન સમયથી આ દબાણ છે તે પાલિકા તંત્ર દુર કરી શકશે કે નહીં તે સમય જ બચાવશે.