New Delhi,તા.૨૫
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. દરમિયાન એવા સમાચાર છે કે ઓવૈસીની પાર્ટી દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણને વિધાનસભાની ટિકિટ આપવા પર વિચાર કરી રહી છે. તાજેતરમાં એઆઇએમઆઇએમના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શોએબ જમાઈએ આ અંગે શાહરૂખ પઠાણના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયાન શાહરૂખના પરિવાર સાથે ચૂંટણી લડવા અંગે ચર્ચા થઈ હતી.
મળતી માહિતી મુજબ ઓવૈસીની પાર્ટી સીલમપુરથી શાહરૂખ પઠાણને ટિકિટ આપી શકે છે. આ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ગત ચૂંટણીમાં અહીંથી આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. સામાન્ય રીતે આ સીટ પર મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં જો શાહરૂખ પઠાણ અહીંથી ચૂંટણી લડે છે તો મુકાબલો રસપ્રદ બની શકે છે.
એઆઇએમઆઇએમના નેતા શોએબ જમાઈએ ટિ્વટર પર ટ્વીટ કર્યું કે તાજેતરમાં તેઓ જેલમાં બંધ શાહરૂખ પઠાણની માતાને તેમના ઘરે મળ્યા હતા. દિલ્હી મજલિસનું એક પ્રતિનિધિમંડળ તેમના પરિવારને મળ્યું અને તેમની સ્થિતિ અને કાનૂની સહાય અંગે ચર્ચા કરી. દિલ્હીમાં ન્યાય માટેની ઝુંબેશમાં અમારું આ નાનું પગલું એવા ઘણા પરિવારોને પ્રોત્સાહન આપશે જેમના બાળકો વર્ષોથી ટ્રાયલ વિના જેલમાં છે. સુપ્રીમ કોર્ટના મતે જામીન એ કેદીઓનો અધિકાર છે જેમના કેસ પેન્ડિંગ છે.