બે ફટાકડા ફોડવા બાબતે અને એક નજીવી બાબતે તબીબનું ઢીમ ઢાળી દીધું,
બીજી તરફ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊઠ્યા,15 શખ્સ સામે નોંધાતો ગુનો
Bhavnagar, તા.01
ભાવનગર જિલ્લામાં દિવાળીની રાત્રે હત્યાના ત્રણ બનાવો બનતા ચકચાર મચી છે. ભાવનગર શહેરમાં થયેલી બે હત્યા પાછળ તો ફટાકડા ફોડવાનું કારણ જ સામે આવ્યું છે.દિવાળીના સપરમા દિવસે જ ત્રણ ત્રણ લોકોની હત્યા નીપજતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફેલાયું છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊઠ્યા છે. ભાવનગર શહેરના બાલયોગી નગર, બીજો, બાર્ટન લાઇબ્રેરી ચોક અને ત્રીજો બનાવ ઘોઘા તાલુકામાં બન્યો છે. ભાવનગર જિલ્લામાં એક જ રાતમાં બનેલા હત્યાના બનાવમાં પ્રથમ બનાવની વાત કરીએ તો, જિલ્લાના હાથબ ગામે ફટાકડા ફોડતી વખતે વખતે ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ છરીના ઘા મારી આધેડની હત્યા નિપજાવી છે. બુધાભાઈ બારૈયા નામના આધેડ પોતાના ઘર પાસે ગાળો ન બોલવા અને ફટાકડાના ફોડવા માટે જણાવતા ચાર શખ્સો ઉશ્કેરાયા હતા. જેઓએ બુધાભાઈને પાઇપ તથા છરીઓના ઘા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે લાવતા બુધાભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી ગઈ હતી અને ઘોઘા પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.ફટાકડા ફોડતા શખ્સોને રસ્તા પરથી દૂર જવા કહ્યું તો હત્યા નિપજાવી હત્યાનો બીજો બનાવ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના બાલયોગીનગર વિસ્તાર છે. અહીં આવેલ સોમનાથ રેસિડેન્સી પાસે શિવરાજભાઈ લાખાણી પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા તે વેળાએ ફટાકડા ફોડતા શખ્સોને દૂર ખસી જવાનું કહેતા બંને વચ્ચે બોલચાલી થતા ભાવિન અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કરતા શિવરાજભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ માટે ભાવનગર સર ટીલેવાની તથા આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ફટાકડા ફોડવા બાબતે શિવરાજભાઈની હત્યા
હત્યાના ત્રીજા બનાવનું કારણ અકબંધ હત્યાનો ત્રીજો બનાવ ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખારગેટ વિસ્તારમાં આવેલ ગજ્જરના ચોક પાસેનો છે. રાવણા ઉર્ફે ફરદીન સાથે બે શખ્સો દ્વારા બોલચાલી થઈ હતી અને ઘર્ષણ થતાં બંને શખ્સોએ પાઇપ તથા છરી વડે રાવણા ઉર્ફે ફરદીનને શરીરના ભાગે ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરદીનનું મોત નીપજ્યું હતું, આ બનાવનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા વધ તપાસ હાથ ધરવામાં આવી છે.ભાવનગર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહેલા દીપોત્સવ પર્વની વચ્ચે એક જ રાતમાં ત્રણ ત્રણ હત્યાના બનાવો બન્યા છે. ત્યારે ડીવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ત્રણ શખ્સો પૈકી 2 શખ્સોને ઝડપી લીધા હતા. ઘોઘા રોડ પોલીસ મથકે થયેલી હત્યામાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી 5 શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે ઘોઘા પંથકના હાથબ ગામમાં થયેલી હત્યાના ગુનામાં 2 શખ્સોને ઝડપી લીધા છે.