Ahmedabad,તા.7
ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા આગામી વર્ષ 2025-26 માટે બીબીએ-બીસીએ અને બીએમએસ સહિત તમામ કોર્સની નવી કોલેજો શરૂ કરવા માંગતી સંસ્થાઓને આગામી 20 નવેમ્બર સુધીમાં અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.
બીબીએ-બીસીએને ચાલુ વર્ષથી કાઉન્સીલના નેજા હેઠળ લેવાયા બાદ પહેલા વર્ષે મોટી સંખ્યામાં કોલેજોને મંજુરી આપવામાં આવી હતી. હવે ફરીવાર મંજુરી માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરાયું છે.
બીબીએ-બીસીએ કોર્સની કોલેજોને અત્યાર સુધી જે તે યુનિવર્સિટીઓ મંજુરી આપતી હતી. ચાલુ વર્ષે આ કોર્સને ટેકનીકલ કોર્સ ગણીને તમામ હયાત કોલેજો અને નવી કોલેજો માટે કાઉન્સીલ સમક્ષ જવાન સૂચના આપવામાં આવી છે. પહેલા જ વર્ષે કાઉન્સીલ દ્વારા મોટી સંખ્યામાં બીબીએ-બીસીએ કોલેજોને મંજુરી આપવામાં આવી છે.
ગુજરાતમાં જ કાઉન્સલની મંજુરી બાદ જીટીયુ એ અંદાજે 30થી વધુ બીબીએ-બીસીએ કોલેજોને મંજુરી આપી હતી. કાઉન્સલની જાહેરાત બાદ હવે આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા પણ નવી કોલેજો માટે દરખાસ્તો મંગાવવાનું શરૂ કરાશે. સૂત્રો કહે છે કે, કાઉન્સીલ દ્વારા ઉદારતાથી નવી કોલેજોને મંજુરી આપવાને કારણે અનેક સંસ્થાઓ બીબીએ-બીસીએ કોલેજો શરૂ કરી રહ્યા છે. ચાલુ વર્ષે મંજુર 30થી વધુ કોલેજો પૈકી મોટાભાગની કોલેજોમાં 50 ટકા બેઠકો ભરાઈ નથી.
આ સ્થિતિમાં હવે આગામી વર્ષે વધુ બીબીએ-બીસીએ કોલેજોને મંજુરી માટે દરખાસ્ત મંગાવવાનું શરૂ કરાયું છે. સૂત્રો કહે છે કે, કાઉન્સીલની આ પ્રકારની નીતિને કારણે આગામી દિવસોમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી, એમબીએ કોલેજોની જે પ્રકારની સ્થિતિ છે તેવી સ્થિતિ બીબીએ-બીસીએ કોલેજોમાં ઉભી થશે તે નકકી છે. હાલની સ્થિતિમાં ડિગ્રી ઈજનેરીમાં દર વર્ષે 25 હજારથી વધુ અને ડિપ્લોમા ઈજનેરીમાં 20 હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.

