Ahmedabad:તા.18
ગુજરાત હાઇકોર્ટમાં આજે ફરી ગૌણ સેવા પસંદગી મંડળ અને TCSની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વર્ગ 3ની ગુજરાત સબ ઓર્ડીનેટરની પરીક્ષાના એક પ્રશ્નને લઈ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, પરીક્ષા લેનાર એજન્સી ફીટ ન થતી હોય તો પરીક્ષા કેન્સલ કરી દો. પરીક્ષા લેનાર એજન્સી વિરૂદ્ધ કોર્ટમાં અરજીઓની સંખ્યા વધી રહી છે.
આ કેસની સુનાવણી અંતર્ગત હાઈકોર્ટે કહ્યું કે, પરીક્ષા લેનારી એજન્સી કમાઈ રહી છે અને ઉમેદવારો – સરકારને હેરાન થવું પડી રહ્યું છે. દર વખતે પ્રો ડેટા માર્ક્સ આપવાથી હોનહાર વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે.
પરીક્ષા લેનારી એજન્સીને કરોડોની ચૂકવણી બાદ દર વખતે માત્ર પેનલ્ટી ફટકારવી તે યોગ્ય નથી. એજન્સી સામે કડક પગલાં લેવા જોઈએ, પેનલ્ટીથી ઉમેદવારોની માંગ સંતોષાતી નથી.
હાઈકોર્ટે સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ અને TCSની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે એજન્સીને તમામ પાવર આપી દીધા છે, સરકારના કંટ્રોલમાં કંઈ જ નથી.
ઉમેદવારોને સિસ્ટમ પરથી ભરોસો ઊઠી જાય તેવા એક્શન આવકાર્ય નથી. એક જ પ્રશ્ના 2 અલગ અલગ સાચા જવાબ હોવાથી ઉમેદવાર દ્વારા આ બાબતે અરજી કરાઈ છે. પરીક્ષા મુદ્દે 23 ડિસેમ્બરના વધુ સુનાવણી હાથ ધરાશે.