Mumbai,તા.03
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 દરમિયાન પાકિસ્તાની કોમેન્ટેટર અને પૂર્વ કેપ્ટન સના મીરે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. આનાથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો. ઘણાં લોકોએ સના મીરને કોમેન્ટરી પેનલમાંથી દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરી. વિવાદ વધતાં સના મીરને સ્પષ્ટતા આપવાની ફરજ પડી. મહિલા વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાઈ હતી.
પાકિસ્તાની ક્રિકેટર નતાલિયા પરવેઝનો પરિચય કરાવતા સના મીરે ક્રિકેટમાં રાજકારણ અને બંને દેશો વચ્ચેના નાજુક સંબંધોને લાવ્યા. નતાલિયા પરવેઝ વિશે સના મીરે કહ્યું કે, ‘આમાંની ઘણી ખેલાડીઓ નવી છે, નતાલિયા પરવેઝ, જે કાશ્મીરથી આવે છે… આઝાદ કાશ્મીર, તે પોતાનું મોટાભાગનું ક્રિકેટ લાહોરમાં રમે છે, તેને મોટાભાગનું ક્રિકેટ રમવા માટે લાહોર આવવું પડે છે.’
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સના મીરની આ ટિપ્પણી પર ભારતીયોએ પ્રતિક્રિયા આપી અને ICC પાસે નતાલિયા પરવેઝને ક્રિકેટ કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે, ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીરને પોતાનો અભિન્ન અને સાર્વભૌમ પ્રદેશ માને છે. ભારત સરકારનો દાવો છે કે પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદે રીતે કબજો કરી રહ્યું છે અને પાકિસ્તાને તાત્કાલિક તેને ખાલી કરવું જોઈએ.
વધતા વિવાદ બાદ સના મીરે સ્પષ્ટતા આપી છે. તેણે ‘X’ પર લખ્યું, ‘પાકિસ્તાની ખેલાડીના હોમટાઉન વિશે મારી ટિપ્પણી ફક્ત પાકિસ્તાનના ચોક્કસ પ્રદેશમાંથી આવવાને કારણે તેણે સામનો કરેલા પડકારો અને તેની અદ્ભુત સફરને પ્રકાશિત કરવા માટે હતી. આ તે વાર્તાનો એક ભાગ છે જે અમે કોમેન્ટેટર્સ તરીકે કહીએ છીએ કે ખેલાડીઓ ક્યાંથી આવે છે.’